Mysamachar.in-વડોદરા
નકલીનો જમાનો છે યારો ! એમ કહેવાનું મન થઈ જાય, એવી સ્થિતિ સર્વત્ર જોવા મળી રહી છે ! એક તરફ શુદ્ધ ઘી ના નામે નકલી ઘી પકડાઈ રહ્યા છે, અન્ય નકલી ખાદ્ય પદાર્થો પણ પકડાઈ રહ્યા છે અને બીજી તરફ નકલી સરકારી કચેરી અને વડાપ્રધાન કાર્યાલયના નકલી ઉચ્ચ અધિકારીથી માંડીને ગુજરાતમાં ધારાસભ્ય અને ઈવન ગૃહમંત્રીના નકલી P.A. પકડાઈ રહ્યા છે ! આ બધું શું ચાલી રહ્યું છે ? આ પ્રકારના બનાવો અચાનક ઉપરાઉપરી શા માટે જાહેર થઈ રહ્યા છે ?!
આ જે નકલીઓ પકડાઈ રહ્યા છે, તેઓ કોણ છે ?! અથવા તો, ગુજરાતમાં આટલાં બધાં કુંડાળાઓ શા માટે ચાલી રહ્યા છે ?! એમ વિચારી શકાય અને એમ પણ વિચારી શકાય કે, આવા તત્વોને કાયદાનો ડર શા માટે નથી ?! કે પછી, સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્રો અને પોલીસ- સમગ્ર સિસ્ટમ પરનો અંકુશ ગુમાવી ચૂકયા છે ?! બધે જ મારે તેની તલવાર જેવી અરાજકતા ચાલી રહી છે ?! સરકારની સિસ્ટમ પર પક્કડ નથી ?! બીજી તરફ, નશીલા પીણાંઓ અને નકલી દવાઓનો તોતિંગ કારોબાર ચાલી રહ્યો છે ! સરકાર કયાં છે? અને શું કરી રહી છે ?! એવા વેધક પ્રશ્નો પણ નાગરિકોએ પૂછવાનું શરૂ કરી દીધું છે !
વડોદરા પોલીસે 3 નશાખોર શખ્સોને રાત્રે પોણાં બે વાગ્યે નેશનલ હાઈવે પરથી પકડી લીધાં, જે પૈકીનો એક શખ્સ ખુદ પોલીસકર્મીઓને એવી દમદાટી આપે છે કે, ગણતરીના કલાકોમાં બદલીઓ કરાવી નાંખીશ, મને ઓળખે છે.? ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પર્સનલ આસિસ્ટન્ટ છું. સવાલ એ છે કે, આવા શખ્સો ખુદ પોલીસકર્મીઓને પણ ધમકાવવાની હિંમત કરી શકે છે ?! તેઓ કોના જોરે આવી હિંમત કરી રહ્યા છે ?! કે પછી, આ પ્રકારના બનાવો ઉભાં કરેલા હોય છે ?! ફરિયાદો ખોટી હોય છે ?! એવી પણ હવે તો લોકોને શંકાઓ જાય છે. કેમ કે, આવી ફરિયાદો અચાનક આટલાં મોટાં પ્રમાણમાં શા માટે બહાર આવી રહી છે ?!
આ ત્રણ શખ્સોએ વડોદરા પોલીસને નેશનલ હાઈવે પર ધમકાવી, એમ પોલીસ કહે છે. આ ત્રણેય શખ્સો આ સમયે શરાબ પીધેલાં હતાં એમ જણાવી પોલીસે નશાબંધીની કલમો પણ આ કેસમાં દાખલ કરી છે. અને એવું પણ બહાર આવ્યું છે કે, આ ત્રણ શખ્સ પૈકી એક શખ્સ અગાઉ પોલીસ વિભાગમાં ડ્રાઇવર હતો !! આ શખ્સ એક જમીનનો માલિક પણ છે. આ બનાવના બે દિવસ અગાઉ સૌરાષ્ટ્રમાં અન્ય એક કેસ એવો નોંધાયો હતો કે, એક શખ્સ પોતે ધારાસભ્યનો P.A. છે તેમ જણાવી કેટલાંક પ્રકારના કુંડાળાઓ પણ આચરી રહ્યો હતો, એવું જાહેર થયું છે. લોકો ચકરાવે ચડી ગયા છે,
આ પ્રકારના સમાચારોથી અને એકમેકને પૂછી રહ્યા છે- મોડેલ સ્ટેટ ગુજરાતમાં આ બધું શું ચાલી રહ્યું છે ?! અને કયા કારણોથી આ બધું ચાલી રહયું છે અને ફટાફટ બહાર પણ આવી રહ્યું છે. લોકોને અચરજ સાથે શંકાઓ પણ છે- આ પ્રકારની ફરિયાદો સંબંધે. લોકોની આ શંકાઓનો ખરો જવાબ શું હોય શકે ?! એ અંગે સમગ્ર રાજયમાં ભારે ચકચાર છે.