Mysamachar.in-વડોદરા:
વડોદરા શહેર નજીક સૌથી મોટા ઓદ્યોગિક વસાહત તરીકે ઓળખાતા નંદેસરી જી.આઈ.ડી.સી.માં છેલ્લા ઘણાં વખતથી નકલી પોલીસ સક્રિય થઈ હતી. જેમાં એક યુવતી અને 3 પુરુષો મળી 4 જણાંની ટોળકી વાહન ચેકીંગના બહાને લોકો પાસેથી તોડ કરતી હતી. જે બાબતની માહિતી નંદેસરી પોલીસને મળતાં અસલી પોલીસે છટકું ગોઠવ્યું હતું. નકલી પોલીસની ટોળકીના 4 શખ્સો શુક્રવારે બપોરે સી.ઈ.ટી.પી પ્લાન્ટ પાસેના રોડ પર વાહન ચેકીંગ કરી તોડ કરતી હતી, તે દરમિયાન અસલી પોલીસે તમામ 4 શખ્સોને કોર્ડન કરી તોડ કરતાં રંગેહાથ પકડ્યા હતા, આરોપીઓ નકલી પોલીસ બની મોટાભાગે કાર અને તેમા પણ વડોદરા સિવાયના પાસિંગવાળી કાર હોય તેને રોકીને ચેક કરતા હતા. આરોપીઓ કાર ચાલકને કાર જમા લઈને ગુનો દાખલ કરવાની દાટી મારીને તોડ કરતા હતા.
નંદેસરી પોલીસે પકડેલા 4 શખ્સોમાંથી વ્રજકુમાર વાઘેલાએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો અને ગુજરાત પોલીસના લોગોવાળુ માસ્ક પણ પહેર્યું હતું. આરોપીઓ તોડ કરવા માટે બાઈક પર રેડ અને બ્લ્યુ લાઈટ પણ લગાડતાં હતાં. નકલી પોલીસ પાસેથી અસલી પોલીસે 3 રેડ અને બ્લ્યુ લાઈટોવાળી ટુ વ્હીલર, 4 મોબાઈલ ફોન, 2 ફાઈબરની લાઠી, 1 પોલીસનો યુનિફોર્મ, 3 પોલીસના લોગોવાળા માસ્ક, નકલી આઈ કાર્ડ અને રબર સ્ટેમ્પ કબ્જે લીધા છે. આરોપીઓ વાહન ચેકીંગ દરમિયાન કારમાં કેટલાં લોકો છે તેની એન્ટ્રી કરવા ચોપડો પણ સાથે રાખતા હતા. પોલીસે વ્રજકુમાર વાઘેલા, ચંદ્રિકા રાજપૂત, વિક્રમકુમાર રાજપૂત અને નરેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસ સ્ટોરમાંથી યુનિફોર્મ, લાઠી અને માસ્ક ખરીદ્યા હોવાની કબૂલાત કરી, સાથે જ યુ ટ્યુબમાં સર્ચ કરીને પોલીસ આઈકાર્ડ બનાવ્યા હોવાનો ખુલાસો કર્યો, હવે આ નકલી ટીમ ઝડપાયા બાદ નંદેસરી પોલીસે કેટલા વાહનચાલકો પાસેથી તોડ કર્યો, ગેંગમાં હજી કોઈ સાગરીત સામેલ છે કે નહિ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

























































