Mysamachar.in:ગાંધીનગર
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 20 માર્ચથી 3 એપ્રિલ સુધી દેશભરમાં ‘પોષણ પખવાડિયું’ ઉજવવામાં આવે છે. અલબત્ત, આ ઉજવણીનો હેતુ ખૂબ જ ઉમદા છે પરંતુ આ હેતુ સિદ્ધ થાય છે ?! હકીકતો શું છે ? એ જાણીને તમને અચરજ થશે અને આઘાત પણ લાગશે, કેમ કે આ એક નિષ્ફળ ઉજવણી છે ! જેની પાછળ કરદાતા નાગરિકોનાં કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે, દર વર્ષે !! ગુજરાતમાં મહિલાઓમાં તથા બાળકોમાં કુપોષણ નાબુદ કરવા સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ દર વર્ષે રૂ.1,200 કરોડનો ખર્ચ કરે છે. જે દર વર્ષે પાણીમાં જાય છે !
સરકાર મહિલાઓમાં કુપોષણ નાબુદ કરવા મહિલાઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ કરે છે. આ ગોળીઓ બેઅસર પૂરવાર થઈ છે. ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જાહેર કર્યું છે કે, વર્ષ 2015-16 માં કરવામાં આવેલાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં 15 થી 49 વર્ષની કુલ મહિલાઓ પૈકી 54.90 ટકા મહિલાઓ કુપોષણથી પિડીત છે ! પછી 2020-21 નો આ સર્વે કહે છે : આ ટકાવારી ગુજરાતમાં 65 ટકા થવા પામી છે ! ટૂંકમાં, દર વર્ષે પોષણ પખવાડિયું ઉજવવા છતાં કુપોષણ 10.10 ટકા વધ્યું !
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દાયકાઓથી કુપોષણ સામેની લડાઇમાં સરકાર કરોડો-અબજો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ કુપોષણ સામેની આ લડાઈ મંત્રીઓનાં નિવેદનોમાં, જિલ્લા અને શહેરમાં આવા કાર્યક્રમોમાં અને કાગળો પર જ રહી છે ! હકીકતો ઉજવણીઓને નિરર્થક સાબિત કરે છે. મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કુપોષણમાં નજીવો વધારો થયો છે, ગુજરાતમાં આ વધારો ચિંતાજનક અને ગંભીર છે. આ ઉજવણીઓમાં ભ્રષ્ટાચાર થતો હશે ?! કે, માત્ર વાતો જ થાય છે ?! આ પ્રકારના પ્રશ્નો સપાટી પર આવ્યા છે, કેન્દ્ર સરકારનાં રિપોર્ટનાં આંકડાઓને કારણે.