Mysamachar.in-જામનગર:
તાજેતરમાં રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોની જમીનો અને નગરપાલિકાઓના વિસ્તારો તથા તેની આસપાસના વિસ્તારોની જમીનોની બિનખેતી પ્રક્રિયાઓ અંગે કેટલાંક સુધારાઓ સાથેના નવા નિર્ણય જાહેર કર્યા. જેમાં આ જાહેરાતના 24 કલાક બાદ એક સ્પષ્ટતા પણ બહાર આવી.
આ સ્પષ્ટતા એવી છે કે, ઉપરોકત પ્રકારની ખેતીની કોઈ જમીનના કોઈ પણ કબજેદાર જો બિનખેતી કરાવવા ઈચ્છતા હોય તો તે જમીન બિનખેતી કરાવી શકશે પરંતુ તે જમીન અંગેના માલિકીહક્ક તો સિવિલ અદાલત દ્વારા જ પ્રસ્થાપિત થઈ શકે. સરકાર આવી જમીનો માટે માત્ર ટાઇટલ ક્લિયર કબજેદાર પ્રમાણપત્ર (RTLOC) જ આપશે. તેનાથી કબજેદારનો જેતે જમીન પરનો માલિકીહક્ક પ્રસ્થાપિત થતો નથી. આ પ્રકારનું પ્રમાણપત્ર સરકાર આપી શકશે. આ ઉપરાંત ટાઇટલ ક્લિયર પ્રમાણપત્ર વકીલો પાસેથી પણ મેળવી શકાશે. અને ધારો કે, કોઈ જમીન કબજેદાર પાસે ઉપરોકત પ્રકારનું મહેસૂલી પ્રમાણપત્ર નથી તો પણ, પ્રમાણપત્રની ગેરહાજરીમાં પણ બિનખેતી માટેની ફાઈલ હાલની વ્યવસ્થાઓ મુજબ રજૂ કરી શકાશે.
આ ઉપરાંત, મહેસૂલ વિભાગના ઉપસચિવ હીનાબા જાડેજાની સહીથી જાહેર થયેલા પરિપત્રમાં જણાવાયા અનુસાર, 2011માં થયેલી છેલ્લી વસતિ ગણતરીના ડેટાના આધારે, જે શહેરની વસતિ એક લાખથી વધુ નહીં હોય તેવા શહેર અને ગામો માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રતિ ચોરસમીટરે સરકાર એક રૂપિયો વસૂલશે. એક લાખથી વધુ વસતિ ધરાવતા ગામો અને શહેરોમાં આ પ્રમાણપત્ર મેળવવા પ્રતિ ચોરસમીટરે રૂ. પાંચ ચૂકવવાના રહેશે.
આ નિર્ણયથી ખેતીની જમીનને બિનખેતી કરાવવાની પ્રોસેસ માટે ટાઇટલ ક્લિયર પ્રમાણપત્ર માટે અરજદારોએ હવે વકીલો પાસે જવું નહીં પડે. અરજીના 30 દિવસની અંદર કલેક્ટર કચેરી દ્વારા આ પ્રમાણપત્ર અરજદારને આપી દેવામાં આવશે. અને, આ પ્રમાણપત્ર મળી ગયા બાદ 10 જ દિવસમાં તમે આ પ્રકારની ખેતીની જમીન બિનખેતી કરાવી શકશો- એવો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે.(file image)