Mysamachar.in:જામનગર
શેરબજારમાં લિસ્ટેડ કેટલીક કંપનીઓ એવી હોય છે જેમને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંઇક નવું કરવાની તમન્ના જાગતી હોય છે, અને એ રીતે આ કંપનીઓ રોકાણકારો પર છવાઈ જવાનો મનસૂબો પણ ધરાવતી હોય છે. એવી જ રીતે, જામનગર મહાનગરપાલિકાને પણ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કામ કરી દેખાડવાનો નશો ચડે છે !! અથવા, અમે કામ કરી રહ્યા છીએ, એવું દેખાડવા કોર્પોરેશન ઉંચુનીચું થતું હોય છે ! સૌ નગરજનો જાણે જ છે કે, કોર્પોરેશનની ખરી હેસિયત શું છે ?!
એપ્રિલનાં અંત અને મે મહિનામાં પ્રારંભથી કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને પોતાને સાહેબ માની રહેલાં કેટલાંક અધિકારીઓ નગરજનો સમક્ષ એવું સાબિત કરવા થનગનવા માંડે છે કે, અમે બહુ કામ કરીએ છીએ ! નગરજનો માટે કામ કરીએ છીએ !! જાતજાતની વાતો તંત્ર તથા શાસકો દ્વારા થતી રહે છે. સર્વત્ર- વરસાદ વરસવાનું શરૂ થાય એ પહેલાંના દિવસોમાં, પ્રિ મોન્સુન કામગીરીની વારતાઓ સાંભળવા અને વાંચવા મળે છે ! પછી વરસાદ આવે, સૌ ટાઢા પડી જાય ! દર વર્ષે આ નાટકો રિપિટ થતાં રહે છે ! આ વર્ષે પણ આમ જ છે.
એક તરફ વીજતંત્રનાં સહયોગથી શહેરમાં વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાના આયોજનો ગોઠવાઈ રહ્યા છે, બીજી તરફ નદી, નાળાં, ગટરો અને કેનાલો વગેરેની સફાઈની કામગીરીની વાતો થતી રહે છે, ત્રીજી તરફ શહેરની જર્જરિત ઇમારતોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજ પર લાવવાની વારતાઓ થતી રહે છે ! આ બધી વાતો પૈકી, દર વર્ષે કામ કેટલું થાય છે ?! એ પ્રશ્નનો જવાબ નગરજનો જાણે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બધી વારતાઓ અને કથિત આયોજનો વચ્ચે, કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓ, એક મુદ્દો દર વર્ષે – ધરાર ભૂલી જાય છે ! એ મુદ્દો છે દબાણોનો. સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં એવાં અસંખ્ય દબાણો વર્ષોથી છે જેને કારણે દર ચોમાસે વર્ષોથી શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જાય છે. જેની તસવીરો અને વીડિયો દર વર્ષે વાયરલ પણ થાય છે. કોર્પોરેશન બધું જ જાણે છે. ચૂંટાયેલા સૌ શહેરની સ્થિતિ જાણે જ છે. અધિકારીઓ પાસે પણ બધી જ વિગતો છે. ઘટે છે માત્ર નિષ્ઠા ! એમ કહેવાય છે કે, વરસાદી પાણીનાં નિકાલમાં અવરોધરૂપ થતાં દબાણો ન હટાવવા પાછળ કોર્પોરેશન પર ‘દબાણ’ છે !! જેને પરિણામે શહેરમાં દર વર્ષે જલભરાવ થતાં રહે છે. આ કૃપા કોર્પોરેશનની છે, જેને કારણે દર વર્ષે હજારો નગરજનો, અચૂક, પરેશાન થાય છે. હાલાકીઓ વેઠવા મજબૂર બને છે !