Mysamachar.in:ગાંધીનગર
બિપરજોય વાવાઝોડાંને કારણે સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ઓછીવધુ અસરો પામ્યો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને પવનની અસરો જોવા મળી. તો કચ્છ જિલ્લામાં વાવાઝોડાંએ ખાસ કરીને વીજતંત્રને અને મીઠાં ઉદ્યોગને વેરણછેરણ કરી નાંખ્યું. જો કે વાવાઝોડાંની વિદાય પછી પણ સરકાર આજે પણ એકશન મોડમાં જ છે. તમામ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી આજે કચ્છનાં ભૂજમાં છે. હાઇલેવલ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાવાઝોડાંને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાવા પામી છે. સમગ્ર રાજ્યમાં જનજીવન પ્રભાવિત થયું છે. જે ધ્યાને લઈ સરકારે સર્વે, સહાય અને સમારકામ સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરાવી દીધો છે.
કચ્છ અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજતંત્રને ભારે નુકસાની વેઠવી પડી છે. અંદાજે રૂ.63 કરોડનું નુક્સાન થયાનું કહેવાય છે. જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં હજારો ગામોમાં વીજપૂરવઠો ગાયબ છે. ઘણાં ગામો અને શહેરોમાં વીજપૂરવઠો ન હોવાથી પિવાના પાણીની પણ સમસ્યાઓ છે. ઘણાં સ્થળોએ પીવાનાં પાણી માટે ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સફાઈ કામગીરી પર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાની અસર શરૂ થાય એ પહેલાં હજારો લોકોને સ્થળાંતરિત કરી લેવામાં આવ્યા હતાં તેથી જાનહાનિ નિવારી શકાઈ છે પરંતુ આ તમામ અસરગ્રસ્તોને સહાય મળી રહે તે પણ જરૂરી હોય, સહાય માટેની જાહેરાત અને સર્વે તેમજ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પશુ મૃત્યુ સંદર્ભમાં પણ સર્વે ચાલી રહ્યા છે. નિયમો અનુસાર સહાયો ચૂકવવા અંગે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજપૂરવઠો પૂર્વવત્ થાય, સફાઈ કામગીરી ઝડપી બને, નુકસાનીનો અંદાજ ઝડપથી તૈયાર કરવામાં આવે, રોકડ સહાય ઝડપથી ચૂકવી દેવામાં આવે – વગેરે સૂચનાઓ મુખ્યમંત્રી કક્ષાએથી આપી દેવામાં આવી છે અને કલેકટર તથા શહેરોમાં મ્યુ. કમિશનર કક્ષાએ આ બધી જ કાર્યવાહી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ પ્રકારની તાકીદની સૂચનાઓ સચિવ કક્ષાએથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.