Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની મધ્યમાં આવેલું પ્રદર્શન ગ્રાઉન્ડ આમ જૂઓ તો, જિલ્લા વહીવટીતંત્ર હસ્તકનું મેદાન છે, કારણ કે તેના ઉપયોગની મંજૂરીઓ આ તંત્રએ આપવાની હોય છે અને આ મેદાનનું ભાડું પણ વહીવટીતંત્ર વસૂલ કરે છે, મહાનગરપાલિકાને આ મેદાન પર કોઈ જ કાર્યવાહીઓ કરવાનો આ અર્થમાં હક્ક પણ નથી. આમ છતાં થોડાં થોડાં સમયે કોર્પોરેશનનું લશ્કર અહીં પહોંચે છે અને દંડૂકડી પછાડવાનું નાટક કરે છે. જો કે આ નાટક પોતે બેમતલબ છે, કેમ કે કોર્પોરેશન અહીં કોઈ જ કાયમી ‘સફાઈ’ કરી શકતું નથી. માત્ર ફોટા વાયરલ થાય, એટલું જ કોર્પોરેશનની અહીંની કામગીરીઓનું મહત્ત્વ રહે છે. વધુ એક વખત આ પ્રકારનું નાટક અહીં એસ્ટેટ શાખા દ્વારા થયું. બીજી તરફ, આ મેદાનનું ભાડું વસૂલતું વહીવટીતંત્ર આ મેદાનની કશી જ દરકાર કરતું નથી, માત્ર ભાડાંની આવક પૂરતો જ એમને રસ છે.
ચૂંટણીસભાઓથી માંડીને ધંધાદારી આયોજન સુધીના બધાં જ ધંધા આ મેદાનમાં થાય છે. અહીં દેશી અને અંગ્રેજી શરાબ પિવાય છે, જૂગાર રમાય છે, મહિલા અને પુરુષ વચ્ચેની ‘મીટિંગ’ થાય છે, ઝૂંપડપટ્ટીનું દબાણ થાય છે અને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના અહીં વાહનો પાર્ક થાય છે તથા ધંધાદારી તત્વો અહીં મંજૂરીઓ વિના ધંધો પણ કરી લ્યે છે. દરેક બાબતે વહીવટીતંત્ર મૌન જાળવે છે, ચિત્રમાં આવતું નથી. અને, થોડાં થોડાં સમયે મહાનગરપાલિકા અહીં ધોકો પછાડતી રહે છે.

તાજેતરમાં આ મેદાન મહાનગરપાલિકાએ વહીવટીતંત્ર પાસેથી ભાડે લીધું છે. મહાનગરપાલિકાએ આ મેદાન લોકમેળા માટે ભાડે લીધું છે. ખરેખર તો, મેદાન ભાડે આપનાર તંત્રએ મેદાન ખાલી સ્થિતિમાં ભાડે આપવું પડે. અને, મેદાન ઉપયોગ માટે સમથળ અને સ્વચ્છ પણ કરી આપવું પડે. વહીવટીતંત્ર આવી કોઈ જવાબદારીઓ નિભાવતું નથી. મહાનગરપાલિકા દર વર્ષે આ મેદાન સ્વચ્છ અને સમથળ બનાવવા, મેળા માટે યોગ્ય બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, દબાણો પણ હટાવે છે. આ કોઈ જ કામગીરીઓ ખરેખર તો મહાનગરપાલિકાએ અહીં કરવાની હોતી નથી. આ બધી જ જવાબદારીઓ વહીવટીતંત્રએ નિભાવવાની હોય છે.
