Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામડાઓ સહીતના વિસ્તારોમા ભૂકંપના આંચકા આવતા હોય લોકોમાં જાગૃતિનિર્માણ અર્થે તંત્ર દ્વારા કેટલાક સૂચનાઓ લોકહિતમાં જારી કરવામાં આવી છે, સલામતી અને સાવચેતી માટે ભૂકંપ પહેલા ધરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી, ભારે અને મોટી વસ્તુઓ ભોયતળીએ અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી, સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ લગાવવા નહી, ક્ષતિવાળી વીજળીના કનેકશન તથા લીકેજ ગેસ કનેકશન તરત જ રીપેર કરાવી લેવા, અઠવાડીયા પુરતું આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી તૈયાર રાખો, જે લઈને નીકળી જઈ શકાય, સંપતિનો વીમો તેમજ કુટુંબના જીવન વીમા ઉતરાવા અને વીમાના કાગળો સુરક્ષિત સ્થળે રાખો, અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહિ તેવી કોથળીમાં રાખો, તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો,નજીકના આરોગ્ય કેન્દ્વ, અગ્નિ શમન કેન્દ્વ,પોલીસ ચોકી વગેરેની માહિતી તથા જાણકારી રાખવી, કુટુંબમાંથી ઓછામાં ઓછુ એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી.
ભૂકંપ દરમિયાન ગભરાવું નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો, ગભરાટમાં ખોટી દોડાદોડી કરવી નહી, ઘરમાંથી ખુલ્લી જગ્યામાં દોડી જવું, બહુમાળીમાં હોવ તો લીફટનો ઉપયોગ કરવો નહી, જો વાહન હંકારતા હોવ તો તરત જ સુરક્ષિત જગ્યાએ રોડની સાઈડમાં વાહન રોકી વાહનમાં જ ભરાઈ રહો, જ્યારે મકાનની અંદર હોય ત્યારે સુરક્ષા માટે તમારા બન્ને હાથથી માથું છુપાવી લઈ મકાનમાં કોઈપણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો,બારણાની ફ્રેમ નીચે, મજબુત ટેબલ નીચે કે મજબુત દિવાલ પાસે માથું સાચવી બેસી રહેવું.
અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યા મુજબ ભૂકંપ બાદ અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી, ચિત સ્વસ્થ રાખો, ભૂકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી, માણસો દટાયેલા હોય તો બચાવ ટુકડીને જાણ કરો, શું બન્યું છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચાવ વાહનોને પસાર થવા માર્ગ ખુલ્લા રાખો, ઘરને ખુબ જ નુકશાન થયું હોય તો તેને છોડી દો, પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઈ નીકળી જાઓ, પાણી, વીજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી, રસોડામાં ગેસની વાસ આવે તો કોઈપણ સ્વીચ દબાવવી નહી અને કશું જ સળગાવવું નહી, ધુમ્રપાન ન કરો, દીવાસળી ન સળગાવો, ગેસ લીકેજ કે શોર્ટસર્કીટ હોઈ શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો, આગ લાગે તો બુઝાવવાનો પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લેવી વગેરે સુચનો તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યું છે.