Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કાળિયા ઠાકોર સંગ હોળી રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. 14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પગપાળા દ્વારકા આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ, આગેવાનો દ્વારા સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.

જેને અનુલક્ષીને શુક્રવારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિતના અધિકારીઓએ આ વિસ્તારના જુદા જુદા સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં પદયાત્રીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધાઓ નિહાળી હતી.
આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર તન્નાએ પદયાત્રીઓ સાથે સેવા કેમ્પમાં મળી રહેલા ભોજન, રાત્રી રોકાણની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય સહિતની સુવિધા અંગે વાતચીત કરી હતી. સાથે સાથે વિવિધ સંસ્થાઓ, જુદા જુદા સમાજ તથા આગેવાનો દ્વારા કરવામાં આવતી સેવાઓને પણ બિરદાવી હતી.
