Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં વધુ એક વખત ડુપ્લીકેટ લાઈસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા 2 શખ્સોની ધરપકડ કરી ડુપ્લિકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાઇસન્સ પણ કબ્જે કર્યા છે સાથે-સાથે 5 આધાર કાર્ડ, 3 પાનકાર્ડ અને બનાવટી લાઇસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ, પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકોને આ બન્ને શખ્સોએ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા હતા.
ટૂ વ્હીલર અને LMV કારના લાઇસન્સ બનાવવા માટે 5 હજાર રૂપિયા વસુલ કરતા હતા અને માત્ર ટૂ વ્હીલરના 2500 રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે, પોલીસે સૌ પ્રથમ અફસરુલ શેખને એક બનાવટી લાયસન્સ સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મારુફમુલ્લા નામનો આ વ્યક્તિ આ સમગ્ર રેકેટ ચલાવે છે અને આ ડ્રાઇવિંગ લાઇસન્સ 6 હજારમાં બનાવી આપેલું છે. પોલીસે ત્યાર બાદ અલગ અલગ ટીમો બનાવી આરોપીના ઘરે તપાસ શરૂ કરી હતી અને પોલીસે સર્ચ કરતા ઘરમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો સામાન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હવે પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે આ જ રીતે અન્ય કેટલા લોકોને બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપ્યા છે? અને આધારકાર્ડ કે પાનકાર્ડનો દૂરઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો, આ કેસમાં પોલીસ દ્વારા આરટીઓ વિભાગની મદદ પણ લેવાઈ રહી છે.