Mysamachar.in-ગુજરાત:
ATS ગુજરાત સાથે સંયુક્ત ગુપ્તચર આધારિત ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળ , જખૌ, ગુજરાત દ્વારા 14-15 એપ્રિલની રાત્રી દરમિયાન પાકિસ્તાની બોટ ‘NUH’માંથી 30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંબંધે બોટમાંથી 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.13 એપ્રિલ 2021ના રોજ, પાકિસ્તાની બોટ દ્વારા ભારત- પાકિસ્તાન રાષ્ટ્રીય IMBL નજીક નાર્કોટીક્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની આશંકા સંબંધે ઇનપુટ્સ પ્રાપ્ત થયા હતા. આ ઇનપુટ મળવાથી, તાકીદના ધોરણે ભારતીય તટરક્ષક દળ દ્વારા ATS ગુજરાતના સહયોગથી સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવા માટે તટરક્ષક દળ ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ ATSના અધિકારીઓ સાથે મોકલવામાં આવી હતી.
14-15 એપ્રિલ 2021ની રાત્રી દરમિયાન, શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં મળી આવી હતી અને ICG દ્વારા તેને આંતરવામાં આવી હતી. બોટ પર જઇને તપાસ કરવામાં આવતા અંદાજે 1 કિલો વજનનું એક એવા હેરોઇનના 30 પેકેટ બોટમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા નાર્કોટિક્સનું આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત મૂલ્ય રૂપિયા 300 કરોડ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, દાણચોરીના આ જથ્થાને ગુજરાતના દરિયાકાંઠે ઉતારવાનો હતો. વધુ શોધખોળ અને સંયુક્ત તપાસ માટે આ બોટ અને 08 પાકિસ્તાની ક્રૂને જખૌ લાવવામાં આવ્યા હતા.