Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં પરચેઝ FSI કાયમ મહત્વનો મુદ્દો રહ્યો છે. હવે જ્યારે રાજ્યમાં ડબલજંત્રીનો અમલ શરૂ થવામાં છે ત્યારે, પરચેઝ FSI નો મુદ્દો ફરી ચર્ચામાં એટલા માટે આવ્યો છે કેમ કે, બિલ્ડરો આ મુદ્દે સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે પરંતુ સરકાર બિલ્ડરોને ખુશ કરશે ? કે, ડબલજંત્રીનો અમલ શરૂ થાય પછી આ પરચેઝ FSI નો બોજ મકાનો ખરીદનારાઓને બેવડાં વાળી મૂકશે ?! તેની ચર્ચા થઇ રહી છે.
સમગ્ર રાજ્યના બિલ્ડરોની સંસ્થા ‘ગાહેડ’ એ પરચેઝ FSIનો મુદ્દો રાજય સરકારનાં ધ્યાનમાં મૂક્યો છે અને સાથે સંખ્યાબંધ રજૂઆતો કરી છે. હવે ડબલજંત્રીનો અમલ શરૂ થવામાં માત્ર થોડાંક કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજયની સમગ્ર બિલ્ડર લોબીની નજર ‘ગાહેડ’ની પરચેઝ FSIની રજૂઆત પર છે. આ સંસ્થાનાં વડા તેજસ જોષીએ જણાવ્યું છે કે, પરચેઝ FSIને જંત્રીથી ડીલાઈન કરી, તેનો અમલ જૂની સિસ્ટમ પ્રમાણે કરવો આવશ્યક છે. પરચેઝ FSIની જોગવાઈ મુજબ, હાલ પ્લાન પાસ કરતી ઓથોરિટી ચાર્જ વસૂલ કરે છે. જંત્રીમાં વધારાનો અમલ થતાં તેમાં વિસંગતતાઓ ઉભી થશે, જેનું નિરાકરણ જરૂરી છે. પ્રોજેક્ટ કોસ્ટમાં ભારણ ન વધે તે માટે જૂની સિસ્ટમ મુજબ FSI પરચેઝ ચાર્જ વસૂલવામાં આવે તેવી માંગ છે.
આ સાથે તેઓએ કહ્યું : પેમેન્ટ FSIનો દર જંત્રીના 40 ટકા છે તે 20 ટકા કરવામાં આવે. આ ઉપરાંત અન્ય તમામ સ્લેબમાં પણ આ ચાર્જ પચાસ ટકા ઘટાડવામાં આવે. આમ કરવાથી જે લોકો ઘરનાં ઘરનું સપનું ધરાવે છે તેઓ માટે અનુકૂળતા સર્જી શકાશે. તેમણે એમ પણ કહ્યું કે, પ્લાન ઈન્વર્ડ કરાવતી વખતે ખૂટતાં ડોક્યુમેન્ટ માટે એફિડેવિટ લઈ શરતી પ્લાન પાસ કરવાની જોગવાઈ કરવી જોઈએ. જેમનાં પ્લાન પ્રોસેસમાં છે તેઓને જૂના જંત્રીદરનો લાભ આપવો જોઈએ. પ્લાન પાસ થઈ ગયા હોય, પરચેઝ FSI ન લેવાની હોય, રિવાઈઝડ પ્લાન મૂકવાનો હોય, તેવાં કિસ્સાઓમાં નવી જંત્રીની કોઈ અસર પેમેન્ટ FSIમાં રહેશે નહીં, તેવી સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ. જે કિસ્સામાં પેમેન્ટ FSI નાં હપ્તા ચાલુ હોય, તેવા કિસ્સામાં જંત્રીડબલની કોઈ અસર ન રહે, તે જોવાનું રહેશે.