Mysamachar.in:ગાંધીનગર
કેટલાક સરકારી કર્મચારીઓ અને અધીકારીઓ બે હાથે મલાઈ ઝાપટાતા હોય બિલાડીની જેમ આંખ મીચીને દૂધ પિતા હોય તેને એમ હોય કે થાય એટલું કરી લેવા દયો ને….આપણે નિવૃત થશું પછી શું થઇ જશે..જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારીને આવો ફાંકો હોય તો કાઢી નાખવો પડે તેવું દ્રષ્ટાંત આજે વધુ એક વખત સામે આવ્યું છે જેમાં નાનો સુનો કોઈ અધિકારી નહિ પણ નિવૃત કલેકટર સહિતનાઓ સામે આર્થિક ફાયદો મેળવવા પૂર્વ યોજિત કાવતરું રચી જમીનના ખોટા હુકમો કરી નાખ્યાના મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા રાજ્યના મહેસુલી તંત્રમાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો પર નજર કરવામાં આવે તો ગાંધીનગર સ્થિત સેક્ટર 7 પોલિસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગાંધીનગરના કેતન ધ્રુવ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ કરાઈ હોવાનો ઉલ્લેખ થયો છે. સરકારી ફરજ સમયે અધિકારીએ પોતાના પદનો દૂર ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એસ.કે.લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018 થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્વના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત IAS વિનય વ્યાસાની નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ દ્વારા 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. જેમાં નિવૃત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે સૂચન કરેલ હતું. જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેકટર કચેરીના વર્તમાન ચીટનીશ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમજ નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. એન.એ પરવાનગીના સંખ્યાબંધ કેસોમાં નવી શરતે જમીન જણાતી હોવા છતાં તેને જૂની શરતની ખોટી રીતે ગણી તે મુજબ નિર્ણય કરતા સરકારને ખૂબ જ મોટી રકમનું પ્રીમિયમનું આર્થિક નુકસાન કરાયું હતું.
બિનખેડૂતને પુરાવા કે આધાર વિના ચકાસણી કર્યા વિના ખેડૂત હોય તે રીતે ગણી બિનખેતીના કેસો મંજૂર કરેલા છે. વર્ષ-2019માં તેઓ નિવૃત્ત થતાં હોવાથી સંખ્યાબંધ ફાઇલો છેલ્લા દિવસોમાં મંગાવી બિનખેતી કરેલી છે અને નિવૃત્ત થયા બાદ પણ જૂની તારીખોમાં નિર્ણય કરેલા કિસ્સા પણ ધ્યાને આવેલા છે. મોટા ભાગના કેસોમાં આર.ઓ.આરનો ભંગ કરી નિર્ણય લીધો હોવાનું બહાર આવ્યું છે. અમુક કેસોમાં ટુકડાધારનો ભંગ થતાં હોઇ તેની જોગવાઇ નજર અંદાજ કરી નિર્ણય લીધેલો હોવાનું જણાય છે. ટી.પી. મુજબ એફ.પી આવ્યા પછી મૂળ વિસ્તાર પ્રમાણે બિનખેતી કરી શકાય નહીં તેમ છતાં આપેલા હોવાનું જણાય છે.