Mysamachar.in-વડોદરાઃ
એક તરફ રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો છે તો બીજી બાજુ એક એવી ઘટના સામે આવી છે જેનાથી ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરના વ્યવસાય પર ડાઘ લાગી રહ્યો છે. માંદગીના મારથી બચવા લોકો ડોક્ટર પાસે સારવાર અર્થે જતા હોય છે જેમાં ગરીબ અને અમીર બંને પ્રકારના દર્દીઓ હોય છે. જેમાં કેટલાક એવા પણ દર્દીઓ હોય છે જે રોજનું કમાઇ રોજનું ખાય છે. હવે આવા દર્દીઓને પણ લૂંટતા એક ડોક્ટર અને લેબોરેટરીવાળાની મીલીભગતની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ વડોદરામાં આવેલી સ્વરા પેથોલોજી લેબના એક વ્યક્તિ અને ડોક્ટરની છે.
આ ઓડિયો ક્લિપમાં લેબોરેટરીવાળો દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ 60% રકમ આપવાની ઑફર કરે છે, સામા પક્ષે ડોક્ટર કહી રહ્યો છે કે અમારે કાનવા ગામ અંદર દવાખાનું છે. અમારે મહિને બિલ આવે. અમે કહીએ એટલે મેલેરિયા બતાવવાનો. રિપોર્ટ મારી પાસે જ રહેશે. તમે ચિંતા ન કરો. લેબોરેટરીવાળાએ વધુમાં કહ્યું કે તમે રિપોર્ટમાં મેલેરિયા કહેશો કે ટાઇફોઇડ એ પ્રમાણે સેટિંગ કરી આપીશું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઓડિયો ક્લિપ ક્યારની અને ક્યાંની છે તે હાલ બહાર આવ્યું નથી, જો કે Mysamachar.in આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી. જો કે આ પ્રકારની ડોક્ટર અને લેબોરેટરીવાળા વચ્ચેની ટેલિફોનિક વાતચીતથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે તો બીજી બાજુ રોગચાળાના મારથી પરેશાન ગરીબ લોકો સામે હવે આ લેભાગુ ડોક્ટરોથી કેવી રીતે બચવું તે પણ મૂજવણનો પ્રશ્ન બન્યો છે.