Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંબંધે સૌએ દીવાળી ઉજવી લીધી, હવે ગુજરાતના રિઅલ એસ્ટેટ ધંધાર્થીઓ માટે વધુ એક દીવાળી આવી રહી છે. સર્વત્ર મીઠાં મોઢા થશે, ફટાકડાઓ ફૂટશે અને સૌ ધંધાર્થીઓ ખુશીની ચિચિયારીઓ ગૂંજાવશે. જો કે આમ થશે તો સરકારની એટલે કે, પ્રજાની તિજોરીને અત્યારના હિસાબ મુજબ, દર વર્ષે રૂ. 5,000 કરોડનું નુકસાન સહન કરવું પડશે, એ મુદ્દો પણ આ મુદ્દા સાથે જ સંકળાયેલો છે. કોઈનો નફો, કોઈનું નુકસાન સાબિત થશે.
સરકાર સમગ્ર રાજ્યમાં જમીનની બિનખેતી પ્રોસેસ એકદમ સરળ કરવા ઈચ્છે છે. જેમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રનું હિત આપોઆપ જળવાઈ જશે. આમેય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, રાજયમાં વાઈબ્રન્સી દેખાવી તો જોઈએ જ. તેથી આ નિર્ણય ગણતરીના દિવસોમાં લેવાઈ જશે, એમ આધારભૂત સૂત્ર જણાવે છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, આગામી સમયમાં રાજ્યમાં એવા વિસ્તારોમાં NA એટલે કે, જમીનોની બિનખેતી પ્રોસેસ હટાવી લેવામાં આવશે, જે વિસ્તારમાં TP સ્કીમ અમલી બની ચૂકી છે અથવા તો જે વિસ્તાર માટે TP સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રકારના તમામ વિસ્તારમાં બિનખેતીની ફાઇલો આપોઆપ કલીયર થઈ જશે. બિલ્ડરના નાણાં બચી જશે (એટલાં પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ ઘટશે). બિલ્ડર્સને આ જમીનોની પડતર નીચી જશે, નફો વધશે. આ નફામાંથી અમુક ભાગ મકાન મિલ્કત ખરીદનારને, બિલ્ડર્સ આપશે કે કેમ ? એ પ્રશ્ન હાલ અસ્થાને છે. પ્રચાર એવો કરી શકાય કે, આમ થવાથી મકાન મિલ્કત સસ્તાં થશે.
સરકારે થોડાં સમય અગાઉ નિવૃત IAS CL મીનાના વડપણ હેઠળ ચાર સભ્યોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ વર્તમાન કાયદાઓનો અભ્યાસ કર્યો, બિલ્ડર્સ સહિતના સ્ટેક હોલ્ડર સાથે વાતચીતો કરી, અને આ આખી પ્રોસેસને સરળ બનાવવા કેટલીક ભલામણો તૈયાર કરી.
આ સમિતિને NA સર્ટિફિકેશન પ્રોસેસ અંગે જે ફીડબેક પ્રાપ્ત થયા, તેના આધારે આ સમિતિએ ભલામણ તૈયાર કરી. આ ભલામણ સરકારને સોંપી. ફીડબેક એવા મળેલાં હતાં કે, બિનખેતી પ્રોસેસમાં સુધારાઓ કરવાની જરુર છે. આ ફીડબેકનો સમિતિએ ઉંડાણથી અભ્યાસ કર્યો, એમ કહેવાય છે. કદાચ એવું બનશે કે, સરકાર સમિતિની આ ભલામણ સ્વીકાર કરી લેશે અને આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરી દેશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ઘણાં સમયથી આ માંગણી કરી પણ રહ્યું છે એટલે આ ક્ષેત્રને રાજી રાખવા બજેટમાં આ નીતિવિષયક નિર્ણયની જાહેરાત શક્ય છે.
આ નિર્ણય લેવામાં આવે તેને કારણે સરકારની તિજોરીને દર વર્ષે કરોડો રૂપિયાની જે નુકસાની સહન કરવી પડશે, તે નુકસાન સરભર કરવા સમિતિએ સરકારને શી ભલામણ કરી છે ? તે અંગે હાલ કોઈએ કશો ફોડ પાડ્યો નથી, અને દેવાના ડુંગર તળે દબાયેલી ગુજરાત સરકારને નુકસાની આપનારો આ નિર્ણય પરવડી શકે ? એ ચર્ચાઓ પણ થઈ રહી છે.