Mysamachar.in-જામનગર:
વિવિધ વ્યવસાયોમાં જુદાં જુદાં પ્રકારની ગંદકી, ગેરરીતિઓ, અનિયમિતતાઓ અને અંધેર ચાલતાં રહેતાં હોય છે, કોચિંગ સંસ્થાઓ પણ આવો એક વ્યવસાય છે. અચરજની વાત એ છે કે, આ પ્રકારના અલગ-અલગ વ્યવસાયોમાં ‘સાફસૂફી’ની જરૂરિયાત હોય છે, પણ આવી સફાઈ સંબંધિત સત્તાવાળાઓ કરતાં હોતાં નથી.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી 16 વર્ષથી નીચેના છોકરાં-છોકરીઓને ખાનગી કોચિંગ આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને તે સંબંધિત અન્ય કેટલાંક નિયમો પણ જાહેર કર્યા છે. જામનગરના વીરબાઈ જલિયાણ વાલીમંડળે સરકારના આ પગલાંને આવકારી તેના સખત અમલ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને એક પત્ર લખ્યો છે, જેમાં કેટલાંક સૂચનો પણ કરવામાં આવ્યા છે.
આ વાલીમંડળના પ્રમુખ કિશોર મજીઠિયાએ પત્રમાં લખ્યું છે કે, રાજ્યમાં કોચિંગ સંસ્થાઓનો રાફડો ફાટયો છે, જયાં તોતિંગ ફી વસૂલવામાં આવે છે, ભ્રામક જાહેરાતો દ્વારા પ્રવેશ માટે લલચાવવામાં આવે છે, મોટાભાગના કોચિંગ ક્લાસીસમાં કવોલિફાઈડ શિક્ષકો હોતાં નથી, ડિગ્ર વગરના શિક્ષકો અથવા કોલેજના છાત્રો અહીં શિક્ષણ આપતાં હોય છે. કલાસીસમાં વિદ્યાર્થીઓને આકર્ષવા પોતાના કોચિંગ ક્લાસમાંથી વધારે નંબર વન અને વધારે ટકા આવ્યાની જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે.
મોટાભાગની કોચિંગ સંસ્થાઓ પાર્કિંગ વ્યવસ્થાઓ ધરાવતી નથી, અને આવી સંસ્થાઓમાં છાત્રોની સલામતીની પણ કાળજી લેવામાં આવતી નથી, જામનગરમાં પણ કોચિંગ સંસ્થાઓમાં આગના બનાવો બનેલાં છે, સુરત કોચિંગ ક્લાસની આગ જગજાહેર છે. આ બધી બાબતો અંગે અગાઉ પણ આ વાલીમંડળ દ્વારા ઘણી વખત રજૂઆત થઈ છે, એમ રાજ્યના શિક્ષણ વિભાગને લખવામાં આવેલાં આ પત્રમાં સંસ્થાના પ્રમુખ કિશોર મજીઠિયાએ જણાવ્યું છે.