Mysamachar.in-રાજકોટ
આજના આધુનિક સમયમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાના ખેલમાં પાડીને બાદમાં પસ્તાવો કરતા હોય છે, એવામાં રાજ્યના જુદા જુદા શહેરોમાં ભાડાના મકાનમાં વસવાટ કરી અને લોકોને દોરા-ધાગાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા દિલ્હીના એક ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટની ભક્તિનગર પોલીસ અને વિજ્ઞાન જાથાના સંયુક્ત ઓપરેશનથી દોરા-ધાગાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા આ શખ્સ ઉઘાડો પડ્યો છે, આ ઢોંગી ગ્રહના નંગની વીટીના લોકો પાસેથી 10 હજારથી 5 લાખ રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં રહી લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આપેલ માહિતી પ્રમાણે મૂળ પંજાબ-દિલ્હીના સુરજીતસિંઘ ગમે તેવા હોશિયાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને ગામ બદલી નાખતો હતો. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં મહિને 5 હજારના ભાડે રહેતો હતો. આ ઢોંગી પ્રથમ વિઝીટનો 1 હજાર ચાર્જ વસૂલતો હતો. બાદમાં વ્યક્તિની પરિસ્થિતિ જોઇ મોટી રકમ પડાવતો હતો. વિધી વખતે પીડિતને સામે રાખી અન્ય પરિવાર કે મિત્રોને દૂર રાખતો હતો. બહાર બીજા બે લોકો ગતિવિધી પર નજર રાખતા હતા. બાદમાં સુરજીતસિંઘ પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી બેહોશ કરી તેના આંગળામાં સોનુ કે અન્ય કિંમતી વસ્તુઓ પહેરેલી હોય તે પડાવી લેતો હતો.
વિધી કર્યા પછી પીડિતને બે-ત્રણ દિવસ સુધી માથાનો દુઃખાવો રહેતો હતો. રાજકોટમાં એક ધંધાદારી વ્યક્તિ ભોગ બનતા તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ઢોંગીનો ભોગ પોલીસ કર્મચારી પણ બન્યો હતો. તેની પાસેથી 25000ની માગણી કરી હતી પરંતુ પોલીસ કર્મીએ 1700 જ આપ્યા હતા. બાકીની રકમ માટે 10 દિવસનો સમય આપ્યો હતો. જો કે પોલીસ કર્મીએ વિજ્ઞાન જાથાને જાણ કરી હતી. આથી વિજ્ઞાન જાથાએ અને ભક્તિનગર પોલીસને સાથે રાખીને ઢોંગીનો પર્દાફાશ કરવા માટે નકલી વેપારી બનાવ્યો હતો. બાદમાં તેને ઢોંગી પાસે મોકલ્યો હતો. નકલી વેપારીએ પોતાની આપવીતી જણાવતા ઢોંગીએ 23 હજારનો ચાર્જ જણાવી 10 હજાર વસૂલી લીધા હતા.
નકલી વેપારી પર ત્રાટક વિધી કરી ઢોંગીએ કહ્યું કે કાલ ભૈરવ દેખાય છે કે નહીં તેવો હિપનોટાઇઝનો પ્રયોગ કર્યો હતો. બાદમાં જાથાના હાથે આધાર-પુરાવા આવી જતા રંગેહાથ ખુલ્લો કરવા નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલા સાથે જાથાની ટીમ ઢોંગીના ઘરે પહોંચી પર્દાફાશ કર્યો હતો. પીડિતોએ ત્યાં જ ઢોંગીને લમધારી નાખ્યો હતો. બાદમાં ઢોંગીએ મજબૂર લોકોને ગ્રહના નંગ આપીને છેતરૂ છું અને 15 વર્ષથી ગુજરાતમાં દોરા-ધાગા કરી લોકો પાસેથી પૈસા પડાવું છું તેવી પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. તેમજ કાયમી ગુજરાત છોડી દઇશ, ભવિષ્યમાં લોકોને છેતરીશ નહીં તેવી ઢોંગીએ આજીજી કરી હતી.
સુરજીતસિંઘને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે માફી માગી ભોગ બનેલા લોકોના રૂપિયા પરત કરી દીધા હતા. આ ઢોંગીની બેગમાંથી પોલીસને 500થી વધુ જુદા જુદા નંગ, ભલામણપત્રો, પંજાબના આશ્રમના ફંડ-ફાળાની પહોંચ, અત્તર સહિતની વસ્તુઓ મળી આવી હતી. ઢોંગીએ પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, પોતે દિલ્હીમાં હાઉસ નં.5, ચાંદનગર, તિલકનગર વેસ્ટમાં રહે છે. પંજાબ કેન્ટ એરિયા જાલંધરમાં મકાન ધરાવે છે. ગુજરાતમાં મંત્ર-તંત્રની સારી દુકાન ચાલતા છેલ્લા 5 વર્ષથી જિલ્લા-તાલુકા મથકે ભાડે મકાન રાખી ગ્રહોના નંગનો વેપાર સાથે નિવારણ વિધી કરૂ છું. મારી સાથે બલદેવસિંહ પતવાલ અને જુજારસિંઘ પતવાલ છે.
આ ત્રણેય શખ્સોએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, ભરૂચ, ગાંધીનગર, રાજકોટ,ભાવનગર, જામનગર, ભૂજ, આંબાસડા, મોરબી, પાલનપુર સહિતના શહેરોમાં વિધી કરવા ગયા હતા. કામચલાઉ ભાડે મકાન રાખી અલગ અલગ શહેરમાં લોકોને છેતરતા હતા.આમ લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા આ શખ્સોનો પર્દાફાશ અંતે થઇ ચુક્યો છે.