Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં પુરતા આધાર- પુરાવા વગર નકલી લાયસન્સ બનાવવાનું વ્યાપક કૌભાંડ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યું છે, જેમાં દ્વારકામાં રહેતા એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મનાતા એક પરપ્રાંતીય શખ્સ સહિત અન્ય છ શખ્સોના નામ પણ ખુલ્યા છે. આ સમગ્ર કૌભાંડની સિલસિલાબંધ વિગત મુજબ જિલ્લા પોલીસને તાજેતરમાં એક નકલી લાયસન્સ ધ્યાનમાં આવ્યું હતું. જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસે તપાસનો દૌર હાથ ધરી, ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો સુલતાન અયુબ સુમારભાઈ સોઢા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. એસ.ઓ.જી. પોલીસની તપાસમાં ઝડપાયેલા આ શખ્સ પાસેથી કુલ પંદર બનાવટી (ખોટા) ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા.
પોલીસની વધુ પૂછપરછમાં જાહેર થયેલી વિગત મુજબ તેના દ્વારા તેના સાથીદાર રીઝવાન રસૂલ અંસારી પાસે આ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવતા હતા. અને એક લાયસન્સ બનાવવા માટે તેઓ દ્વારા રૂપિયા 3,000 સુધીની રકમ પણ જેને લાયસન્સ જોઈએ તેની પાસેથી વસૂલવામાં આવતી હતી. આ શખ્સો દ્વારા આજ સુધી પોતાના અંગત ફાયદા માટે આર.ટી.ઓ અધિકારીની સહીનો ડિજિટલ તરીકે ઉપયોગ કરી, ટૂંકા રસ્તે પૈસા બનાવવાના આ મામલામાં અંદાજે 54 બનાવટી લાયસન્સ બનાવ્યા હોવાનું અને આ મામલે હાલ સુલતાન સોઢાની પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે, આ પ્રકરણમાં દ્વારકા પોલીસે આઈપીસી કલમ 465, 467, 471, 474 તથા 114 મુજબ ગુનો નોંધી અને આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મનાતા રિઝવાન રસુલ અન્સારી સહીત કુલ છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ તમામ સામે નોંધાયો ગુન્હો
– સુલતાન અયુબભાઇ સોઢા રહે નરસંગ ટેકરી ફુલવાડી વીસ્તાર તા દ્રારકા
– રીઝવાન રસુલ અંસારી
– જુનુસ ઓસમાણ મોખા રહે સલાયા
– અલી હસન સપ રહે બેટ
– જાવીદ હારૂન સપ રહે રોજીના દંગો દ્રારકા
– ઇકબાલ વલીમાંમદ સુંભણીયા રહે દ્રારકા
– નજીર તાલબ સંધાર રહે ઓખા