Mysamachar.in-જામનગર:
જામનગરના હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી આમ તો પક્ષના પ્રતિક સાથે લડવાની હોતી નથી પરંતુ સૌ જાણે છે એમ, પાછલાં બારણે રાજકીય પક્ષો જ આવી સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ લડતાં હોય છે અને જિતવા લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ માફક બધું જ કરી છૂટતાં હોય છે. આ વખતે હાપા માર્કેટ યાર્ડમાં બબાલ સારી એવી છે, એક તરફ બળવાખોરી પણ દેખાઈ રહી છે, બીજી તરફ સ્વતંત્ર ઉમેદવારોએ પણ વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર હાપા માર્કેટ યાર્ડમાં આ વખતે ડાયરેક્ટરોની ચૂંટણીઓ બરાબર જામી છે. ભાજપાએ એક વખત તો ઉમેદવારોની સત્તાવાર યાદી પણ બદલાવી છે, આમ છતાં મામલો ઠંડો પડ્યો નથી. બીજા ઉમેદવારોની વાત કરીએ તો તલવારો હજુ ખેંચાયેલી જ છે અને બીજી તરફ સ્વતંત્ર ઉમેદવારો પણ ઘણાં છે.

આગામી પાંચમી ફેબ્રુઆરીએ મતદાન છે. 29મી જાન્યુઆરીએ ફોર્મ પરત લેવાની મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી પણ ખેડૂત અને વેપારી બંને વિભાગમાં ઢગલાબંધ ઉમેદવારો રહ્યા છે, જેને કારણે પરિણામો અણધાર્યા પણ આવી શકે. ખેડૂત વિભાગમાં 10 બેઠકો સામે 17 ઉમેદવારો છે. એટલે કે 7 ઉમેદવારો સ્વતંત્ર છે. જેઓનો રકાસ પણ થઈ શકે. જો કે આ સ્વતંત્ર ઉમેદવારો પૈકી 2 ઉમેદવાર બળવાખોર પણ છે, જે એકાદ બે બેઠક પર પાસાં પલટાવી શકે તો ? એ પણ ચર્ચાઓ છે. આ વિભાગમાં 760 મતદારો છે.
આ ઉપરાંત વેપારી વિભાગમાં માત્ર 4 જ બેઠક હોવા છતાં 11 ઉમેદવારોએ નસીબની બાજી ખેલી છે, જે પૈકી 7 ઉમેદવારો સ્વતંત્ર છે. આ વિભાગમાં મતદારો માત્ર 110 છે. મતદારો પૈકીના 10 ટકા મતદારો ચૂંટણીઓ લડી રહ્યા છે !! અત્રે ઉલ્લેખનિય છે કે, ખેડૂત અને વેપારી બન્ને વિભાગમાં 7-7 ઉમેદવારો સ્વતંત્ર છે, આ યોગાનુયોગ પણ હોય શકે. અથવા, ગોઠવણ પણ.
રસપ્રદ બાબત એ છે કે, લોકસભા ચૂંટણીઓ માથે છે એવા સમયે જામનગર હાપા માર્કેટ યાર્ડનું આ ચિત્ર સામે આવ્યું છે. શાસકપક્ષનું જિલ્લા એકમ આ પરિસ્થિતિઓ નિવારી ન શક્યું ? કે, ઉપરથી કોઈ નવી લાઈન આપવામાં આવી છે ? એ ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે.
