Mysamachar.in-જામનગર:
જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતાં અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલા એક ધંધાર્થીએ પોતાના સમગ્ર પરિવાર સાથે કાલે બુધવારે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ધારાગઢ નજીક સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર હાલારમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. આજે ગુરૂવારે સવારે આ પરિવારના ચારેય સભ્યોની સામૂહિક અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે સમગ્ર માધવબાગ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવારજનો સહિતના સૌ સંબંધિતોનું હૈયાફાટ રૂદન જોવા મળેલ હતું.
આ કમનસીબ પરિવારના મોભી અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (42) જામનગરમાં બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતાં અને એવી બિનસતાવાર ચર્ચાઓ છે કે, તેઓ પરનું દેણું મોટું થઈ જતાં સમગ્ર પરિવારે આ પગલું ભરવું પડ્યું. જો કે, આજે એવું પણ જાહેર થયું છે કે, પોલીસે આ કરૂણ બનાવ સંબંધે એક સુસાઈડ નોટ કબજે લીધી છે. પરંતુ આ લખાણ અંગે પોલીસ દ્વારા કશું જાહેર કરવામાં આવ્યું નથી.
આ સામૂહિક આપઘાતમાં અશોકભાઈ ઉપરાંત એમના પત્ની લીલુબેન(42), પુત્ર જીગ્નેશ (20) અને પુત્રી કિંજલ(18) નો સમાવેશ થાય છે. ભાણવડ પોલીસ દ્વારા આ ચારેય મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. આ પરિવાર મૂળ લાલપુર તાલુકાના મોડપર ગામનો વતની હતો અને યોગાનુયોગ આ સમગ્ર પરિવારની જિંદગીઓનો અંત પણ તેઓના વતનથી નજીકના સ્થળે આવ્યો. આ બનાવને કારણે સમગ્ર આહિર સમાજ ઉપરાંત હાલારમાં ચકચાર મચી છે અને ઘેરો શોક છવાયો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતના વિવિધ શહેરોમાં આર્થિક કારણોસર એકલદોકલ વ્યક્તિના આત્મહત્યાના તથા પરિવારોના સામૂહિક આપઘાતના કિસ્સાઓ, સમયાંતરે જોવા મળી રહ્યા છે. આવા કિસ્સાઓ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય લેખાવી શકાય. અત્રે એ પણ નોંધનીય છે કે, ધંધાકીય કારણોસર અથવા અન્ય કોઈ કારણસર લોકોમાં દેણું કરવાના સંજોગો અને દેણું કરવાની માનસિકતા અગાઉ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ બધી બાબતો સમાજમાં જોવા મળતાં ટ્રેન્ડ પ્રત્યે ઈશારો કરે છે.