Mysamachar.in-ગુજરાત:
ગુજરાત અને ગુનાખોરી- આંકડાઓની દ્રષ્ટિએ આ વિષય કાયમ ચર્ચાસ્પદ અને રસપ્રદ રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા ગુનાઓ નોંધવાની જે પદ્ધતિ છે, તેના વિષે પણ ઘણું લખાતું અને વંચાતું રહે છે, આ સ્થિતિમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે જે આંકડાઓ જાહેર થયા છે તેનો અભ્યાસ ઘણી બાબતો ઉજાગર કરે છે.
સમગ્ર રાજયમાં તમામ પ્રકારના જે ગુનાઓ નોંધાયા છે, તેના આંકડાઓ કહે છે કે, રાજયમાં (નોંધાયેલી) ગુનાખોરીમાં ઘટાડો થયો છે, અને તેની સાથે જ ચિંતાપ્રેરક બાબત એ છે કે- મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ વધી ગયા છે. તેની સાથે-સાથે પોલીસ કસ્ટડીમાં આરોપીઓના જે મોત થઈ રહ્યા છે, તે બાબતમાં પણ ગુજરાત ખૂબ જ આગળ હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
NCRBએ નોંધાયેલા ગુનાઓના દેશભરના આંકડાઓ જાહેર કર્યા. જે દર્શાવે છે કે, આરોપીઓના પોલીસ કસ્ટડીમાં જે મોત થઈ રહ્યા છે તેના આંકડાઓમાં સતત ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ નંબરે છે અને છ વર્ષથી આ મામલે ગુજરાત ટોપના રાજયોમાં છે. તેને ગુજરાતની હેટટ્રિક લેખાવવામાં આવી રહી છે. આ મામલાઓ સ્થાનિક સ્તરે ઘણી વખત વિવાદનું કારણ પણ બનતાં હોય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ અનુસાર, 2022માં રાજયમાં કુલ નોંધાયેલા ગુનાઓ ઘટયા. 2021માં 7.31 લાખ ગુનાઓ નોંધાયા હતાં, 2022માં નોંધાયેલા ગુનાઓની સંખ્યા 5.24 લાખ રહી. ગુનાઓમાં 28 ટકાનો ઘટાડો. જો કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ 5 ટકા વધી ગયા. બાળકો વિરુદ્ધના ગુનાઓ 9 ટકા વધી ગયા. અપહરણના ગુનાઓ 13 ટકા વધી ગયા. દુષ્કર્મના નોંધાયેલા કેસોમાં 3 ટકાનો વધારો. તેની સામે હત્યાના કેસો 5 ટકા, સગીર દ્વારા થતાં ગુનાઓ 13 ટકા, વૃદ્ધો વિરુદ્ધના ગુનાઓ 30 ટકા, આર્થિક ગુનાઓ 8 ટકા અને સાયબર ક્રાઈમમાં 7 ટકાનો ઘટાડો જોવા મળે છે.
અમદાવાદમાં ગુનાઓ ઘટયા અને સુરતમાં ગુનાઓ વધી ગયા. 2021ની સરખામણીએ દેશભરમાં 2022માં ગુનાઓની સંખ્યા 4.5 ટકા ઘટી. ઉત્તરપ્રદેશ ગુનાઓની દ્રષ્ટિએ નંબર વન છે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે છે. દેશમાં સાયબર ક્રાઈમની સંખ્યા 24.4 ટકા વધી. દેશમાં જે કુલ ગુનાઓ દાખલ થયા તે પૈકી 61 ટકા ગુનાઓ IPC હેઠળ અને 39 ટકા ગુનાઓ સ્પેશિયલ અથવા લોકલ કાયદાઓ મુજબ દાખલ થયાં.
2022માં આખા દેશમાં કુલ 75 લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થયા, જેમાં 14 ના આંકડા સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે. સતત ત્રણ વર્ષથી ગુજરાત આ બાબતે પ્રથમ રહે છે અને છ વર્ષથી ટોપના રાજયોમાં રહે છે. 14 પૈકી 8 લોકોએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કર્યા. 5 લોકો સારવાર દરમ્યાન મોતને ભેટયા. અને એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને મૃત્યુ પામ્યો. 2021માં ગુજરાતનો આ આંકડો 23 હતો. અને, પોલીસ કસ્ટડીમાં મોતના ગુજરાતના કેટલાંક બનાવોએ સમગ્ર રાજયમાં પણ ચકચાર જગાવેલી છે.