Mysamachar.in-રાજકોટ:
રાજકોટ નજીકના કુવાડવા તાબામાં આવતા બેડલા ગામે એરપોર્ટ પોલીસ તેમજ જિલ્લાના ભાડલા પોલીસના ગુનામાં નાસતો ફરતો વિજય નામનો શખ્સ ગામમાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એરપોર્ટ પોલીસમથકનાં પીએસઆઇ વી.સી.પરમાર, સહિતનો કાફલો શનિવારે સાંજે બેડલા ગામે પહોંચ્યો હતો. બેડલા ગામે વિજયના ઘરે પોલીસ પહોંચી હતી. દરમિયાન પોલીસે વિજયને સકંજામાં લેતા જ તેને બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસ રહેતા વિજયના કૌટુંબિક પરિવારના લોકો દોડી આવી પોલીસને ઘેરી લીધા હતા.
ઘેરી વળેલા લોકો વિજયને છોડાવવા ઝપાઝપી કરે તેવી સ્થિતિ સર્જાતા તેમને દૂર કરવા માટે પીએસઆઇ પરમારે તેની સર્વિસ રિવોલ્વર કાઢી હતી. પીએસઆઇ પરમાર તેમનું સરકારી હથિયાર કાઢતા હતા. તે જ સમયે અચાનક ટોળાંએ પથ્થરમારા કરી પીએસઆઇ પરમારના હાથમાં રહેલી લોડેડ રિવોલ્વર ઝૂંટવી લઇ લાકડી, પાઇપથી હુમલો કર્યો હતો. જે હુમલામાં પીએસઆઇ, કોન્સ્ટેબલ અને જીઆરડીને ઇજા થઇ હતી. પોલીસ પર હુમલો કર્યા બાદ વિજય સહિતનું ટોળું નાસી ગયું હતું.પોલીસ પર હુમલો થયા બાદ બેડલા ગામે પોલીસના ધાડા ઊતારી દીધા હતા અને અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકે્લા નામચીન ધંધાર્થીઓના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે દરોડા સમયે પોલીસને દારૂ કે હુમલાખોરો હાથ લાગ્યા ન હતા.પોલીસે આ મામલે સરકારી હથિયાર લુટી જવું પોલીસ પર હુમલા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.