Mysamachar.in-રાજકોટ:
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે,તેની સાથે કેટલાક સરકારી નિયંત્રણો પણ ચાલે છે, જેમ કે કોઈ સામાન્ય લોકોને સ્મશાનયાત્રા હોય, લગ્નપ્રસંગ હોય કે બેસણાની વાત હોય આ તમામ જગ્યાઓએ સરકારી અમલદારો નિયમોની ચુસ્ત અમલવારી કરાવે છે, અને તે સારી બાબત છે કે કોરોના સંક્રમણ કેમેય ફેલાતું અટકતું હોય તો…પરંતુ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે, સતાધારી પક્ષ ભાજપ અને તેના નેતાઓને નહિ…??? આવી લોકમુખે અને સોશ્યલ મીડિયામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, અને સોશ્યલ મીડિયામાં તો એટલા માટે ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યાં જાય ત્યાં લોકોનો સૈલાબ એકઠો થઇ જાય છે, પાટીલ ત્રણ દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે હતા તે દરમિયાન પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના તો લીરેલીરા ઉડ્યા હોય તેમ લાગ્યું….પણ અવાજ કોણ ઉઠાવે પગલા કોણ લે…?ભાઈ આ તો સતાધારી પાર્ટી છે… ત્યારે 20 ઓગસ્ટ ગુરૂવારના રોજ સી આર પાટીલનું ગોંડલ ચોકડી ખાતે સ્વાગત કાર્યક્રમ નું આયોજન પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું,
આ સમયે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ઉમટી પડ્યા હતા, સી આર પાટીલનું સ્વાગત કર્યા બાદ ગોંડલ ચોકડીથી લઇ આત્મીય કોલેજ સુધી સી.આર.પાટીલ પાછળ 300થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક સાથે રેલીમાં જોડાયા હતા. અને સોશ્યલ ડિસ્ટન્સ ના લીરા ઊડ્યા હતા, જે બાદ સી.આર.પાટીલની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જ્યારે unlock પાર્ટ 3ની ગાઈડલાઈન કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે unlock પાર્ટ 3 અંતર્ગત દેશમાં કોઈપણ જગ્યાએ રેલી સભા જાહેર મેળાવડા ધાર્મિક કાર્યક્રમો સહિતના પર પાબંધી લાદી દેવામાં આવી છે ત્યારે શા માટે ગુરૂવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી તેમજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેના જવાબમાં સી.આર.પાટીલે આ ગાઈડલાઈનની છણાવટ પોતાની રીતે કરી નાખી હોય તેમ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કોઈપણ જગ્યાએ રેલી હોય તો તેમાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડતા હોય છે.
ગુરૂવારના રોજ રાજકોટ ખાતે જે બન્યું તે કોઈપણ પ્રકારની રેલી નહોતી, કોઈ કાર્યકર્તા પોતાના પ્રદેશ અધ્યક્ષની પાછળ કાફલામાં જોડાઇ તો તે રેલીની વ્યાખ્યામાં નથી ગણવામાં આવતું. વધુમાં તેવોએ કહ્યું કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પ્રદેશ અધ્યક્ષ છે તે શહેર કે ગામમાં ઉપસ્થિત રહે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાની લાગણી દર્શાવવા એકઠા થતા હોય છે. તો સાથોસાથ જો કોઈ વ્યક્તિ પોતાની કારમાં ત્રણ જેટલા લોકો સાથે પ્રવાસ કરતા હોય તો તેને રેલીની વ્યાખ્યામાં નથી આવતું. આ રેલીના તાયફા અને નિયમોની ધજીયા ઉડવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર રેમ્યા મોહનને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકો વિરુદ્ધ કલમ 144 ના ભંગ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા ફરિયાદ દાખલ કરવા આવેદન પત્ર પણ પાઠવ્યુ છે. પણ પગલા લેવાશે કે કેમ તે કોને ખબર..? હા પણ આ વાત થી સામાન્ય વર્ગ ના માનસપટ પર જે ભાજપની છબી ખરડાઈ છે અને નિયમો બધા સામાન્ય લોકોને જ લાગુ પડે બાકી નેતાઓને અને ખાસ કરીને સતાધારી પાર્ટીના નેતાઓને કે કાર્યકરોને આ નિયમો કે કાયદાઓ સાથે કોઈ લેવાદેવા નથી તે વાત આવી રેલીઓ સ્પષ્ટ કરે છે.