Mysamachar.in-રાજકોટ:
પોલીસને દંડના ટાર્ગેટ અમુક વખતે આપવામાં આવતા હોય છે, અને સાહેબે આપેલો ટાર્ગેટ પૂરો કરવા સ્ટાફ લાગી પડતો હોય છે, આવું જ રાજકોટમાં જોવા મળ્યું..જ્યાં આમ તો રાજકોટ શહેર પોલીસ કોઈને કોઈ કારણોસર અવારનવાર વિવાદમાં સપડાતી રહેતી હોય છે. રવિવારના રોજ રેસકોર્સ રિંગરોડ પર વાહન ચેકિંગના નામે દબંગાઇ કરી રહેલા મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસની નિમવામાં આવી છે. ઘટના કઈક એમ બની છે કે રવિવારના રોજ રાજકોટ રેસકોર્સ રિંગરોડ પર મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એરપોર્ટ રોડથી પોલીસ હેડ-ક્વાર્ટર તરફ જતા રોડ પર મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પોલીસની કાર રોડની વચ્ચોવચ પાર્ક કરવામાં આવી હતી.
જેના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો જોકે, કોઈપણ રાહદારીએ પોલીસ સામે બોલવાની હિંમત કરી નહોતી. જે બાદ દબંગાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ અંગે ખાતાકીય તપાસના આદેશો કરવામાં આવ્યા છે. આ દિવસે ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર વાહનચાલક સામે કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા વાહનો અટકાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ કેટલાક વાહનચાલકો પોલીસને ચકમો આપીને જતા રહેતા હતા. થોડો સમય આવું ચાલતા જમાદાર મકવાણાને તૂત સુઝ્યું હતું અને તેણે પોલીસ સ્ટેશનની સામે જ રસ્તા પર પોલીસ જીપ આડી ઊભી રાખી દબંગાઇ દેખાડી હતી. પરંતુ આ દબંગાઇ તેને ભારે પડી છે. કારણ કે તેની સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.