Mysamachar.in-ગુજરાત:
એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને ઈ-કોમર્સની બોલબાલા છે. બીજી તરફ દેશભરમાં દવાઓ ઓનલાઈન પણ વેચાઈ રહી છે અને ત્રીજી બાજુ અચરજની વાત એ છે કે, દવાઓના ઓનલાઈન વેચાણ અંગે આજની તારીખે દેશમાં કોઈ પોલિસી જ નથી, જેને પરિણામે આ ક્ષેત્રમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. હવે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા સરકારને અદાલત તરફથી સૂચન આપવામાં આવ્યું છે, જે એક અર્થમાં ચેતવણી પણ છે.
દવાઓના ઓનલાઈન વેચાણના ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ પોલિસી નિર્ધારીત કરવામાં આવી નથી. અદાલતે કહ્યું: આ મામલો પાંચ વર્ષથી અદાલતમાં પડતર છે. આથી કેન્દ્ર સરકારને આ મુદ્દે છેલ્લી તક તરીકે બે મહિનાનો સમય આપવામાં આવે છે. જો આ આઠ સપ્તાહની અંદર સરકાર પોલિસી લાવશે નહીં તો આગામી સુનાવણીમાં કેન્દ્ર સરકારના જોઈન્ટ સેક્રેટરીએ જાતે અદાલતમાં હાજર થવું પડશે.
આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં હાજર રહેલાં વકીલે અદાલતને કહ્યું, દવાઓના ઓનલાઈન વેચાણ સંબંધિત 28-08-2018 ના નોટિફિકેશન પર હજુ પરામર્શ ચાલી રહ્યો છે. અદાલતમાં, દવાઓના ઓનલાઈન ગેરકાયદેસર વેચાણ પર પ્રતિબંધ લાદવા મુદ્દે અરજીઓ થયેલી છે. આ ઉપરાંત સરકાર દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક નિયમોમાં વધુ સુધારાઓ કરવા માટે જે ડ્રાફ્ટ પ્રકાશિત થયેલો છે તેને પડકારતી અરજીઓ પણ અદાલતમાં છે.
આ ડ્રાફ્ટ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રકાશિત થયેલો છે. આ તમામ અરજીઓની સુનાવણી દરમિયાન અદાલતે સરકારને ઉપરોકત સૂચના આપી છે. હાલમાં આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે, અદાલતે પાંચ વર્ષ અગાઉ દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લાદતો આદેશ આપ્યો હતો. કેમ કે, આ પ્રકારનું વેચાણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ, 1940 અને ફાર્મસી એક્ટ, 1948 હેઠળ મંજૂરીને પાત્ર નથી.
આ મામલે અદાલતના આદેશની અવમાનના અંગે કામ ચલાવવા સંબંધે પણ હાઈકોર્ટમાં અરજીઓ થઈ છે. દવાઓનું ઓનલાઈન વેચાણ કરી રહેલી ઈ-ફાર્મસી કંપનીઓ વિરુદ્ધ કામ ચલાવવા અંગે આ અરજીઓમાં માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અદાલતનો આદેશ છતાં આ ઈ-ફાર્મસી કંપનીઓ વિરુદ્ધ સરકારે કોઈ પગલાંઓ લીધાં ન હોય, અદાલતે આ મુદ્દે સરકાર વિરુદ્ધ પગલાંઓ લેવા જોઈએ.