Mysamachar.in-રાજકોટ:
રાજકોટમાં નવદંપતિનો સજોડે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા યુવા દંપતીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે, આત્મહત્યા કરનાર બાબુ સોલંકી વીડિયો શુંટીગ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે, રાજકોટ પોલીસ આ આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં નવદંપતીએ સજોડે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાબુ સોલંકી અને મમતા સોલંકી નામના નવદંપતીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૃતક બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની મમતાબેને વહેલી સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો. તો મમતાબેન મૂળ અંકલેશ્વરની રહેવાસી હતી. હાલ પોલીસ તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
પતિ પત્ની મોડે સુધી ન જાગતા અને પરિવારના લોકો આવતા દરવાજો પણ ન ખોલ્યો હતો. જેથી પરિવાજનોએ છાપરું ઉંચકાવીને અંદર જોયુ હતુ તો બંનેએ ઘરની લોખંડની આડીમાં દુપટ્ટા સાથે બાંધીને ગળે ફાંસો ખાધો હતો. યુવકના કાકાએ પોલીસને જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલા જ યુવક-યુવતીના લગ્ન થયા હતા. અને હજી ગઈકાલે જ તો પરિવારથી અગલ થઈને નવા ઘરમાં રહેવા ગયા હતા. ત્યારે તેઓએ ક્યા સંજોગોમાં આ પગલું ભર્યું તે તપાસ બાદ જ સામે આવશે.