Mysamachar.in-જામનગર:
માત્ર જામનગર જ નહીં, સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ નાનામોટાં શહેરોમાં અઠવાડિક બજારો ભરાતી હોય છે, આ બજારો કેટલાક શહેરીજનોની જરૂરિયાત છે, તેથી તેને દૂષણ ગણવાને બદલે તેનો હકારાત્મક ઉપાય શોધવો આવશ્યક લેખી શકાય. જામનગરમાં અગાઉ ગાંધીનગર વિસ્તારમાં શનિવારીય બજાર ભરાતી, ત્યાં પણ કોર્પોરેશનની કામગીરીઓને કારણે અવારનવાર બબાલો થતી. આખરે એ મેદાનનો સારો ઉપયોગ શોધી કાઢવામાં આવ્યો. એ જ રીતે, શહેરના રણજિતનગર વિસ્તારમાં શુક્રવારીય ગુજરી બજાર ભરાતી, ત્યાં પણ કોર્પોરેશન અવારનવાર દંડૂકડી પછાડતી. આખરે એ બજાર પણ કાયમી બંધ થઈ.
હાલ નદીના પટમાં રવિવારીય, સાધનાકોલોની ખાતે મંગળવારીય અને મિગકોલોની નજીકના પ્રદર્શન મેદાન ખાતે શુક્રવારીય ગુજરીબજાર ભરાય છે, તે બધી જ જગ્યાએ દર અઠવાડિયે બબાલો થતી રહે છે, જેથી સૌને નુકસાન થાય છે, આ બધી બબાલોને કાયમ માટે નિપટાવવા તેના સારાં ઉકેલો શોધવા જોઈએ, એવી લાગણી નગરજનોમાં જોવા મળે છે. નગરજનોની લાગણીઓ એવી છે કે, શહેરના વિવિધ મેદાનોમાં અલગઅલગ દિવસે ખુદ મહાનગરપાલિકાએ સાપ્તાહિક બજારોની યોજના બનાવવી જોઈએ. જેનાથી ત્રણ ચાર પ્રકારના ફાયદા થઈ શકે.
જો આ પ્રકારની અઠવાડિક બજારો કોર્પોરેશન યોજે તો તમામ ધંધાર્થીઓ પાસેથી નિયમિત અને વાજબી આવક કોર્પોરેશન મેળવી શકે. બીજો મુદ્દો: આવી અઠવાડિક બજારો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગ માટેની કાયમી જરૂરિયાત છે. ત્યાં હજારો ચીજોની ખરીદીઓ થતી હોય છે. આવી બજારોમાં મોટરો ધરાવતો વર્ગ પણ ચોક્કસ ચીજવસ્તુુઓ ખરીદવા જતો હોય છે. ત્રીજો મુદ્દો: આ પ્રકારની બજારોને કારણે નાના ધંધાર્થીઓ બે પૈસા કમાઈ શકે છે, તેઓના પરિવારો આ આવક પર નભતાં હોય છે. ચોથો મુદ્દો: થોડાં થોડાં સમયે કોર્પોરેશનની એસ્ટેટ શાખા અને પોલીસે આ ઝંઝટમાં પડવાનું ન રહે. શાંતિથી અને આયોજનબદ્ધ રીતે બજારો કોઈ પણ અડચણો વિના ધમધમી શકે અને સૌને બજારોના લાભો મળે.
કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ શહેરના વિશાળ હિતો માટે આ મુદ્દાને વિશેષ રિતે ઉકેલવો સમયની માંગ છે. શહેર મોટું બની ચૂક્યું છે તેથી નગરજનોની, શહેરની જરૂરિયાતો બદલી છે અને વધી પણ છે, જે સંતોષાવી આવશ્યક લેખી શકાય. કોર્પોરેશન નગરજનોની આ લાગણીઓ સમજી શકે તો આ સમસ્યાનો કાયમી અને સારો હલ નીકળી શકે.