Mysamachar.in-રાજકોટ:
દર વર્ષે રક્ષાબંધનનું પર્વ આવતા માર્કેટમાં અનેક પ્રકારની રાખડીઓ જોવા મળે છે. જેમાં ગોલ્ડથી લઈને નાના બાળકોને ગમતી છોટાભીમ સુધીની રાખડી માર્કેટમાં આવે છે. પણ આ વખતે રાજકોટ શહેરમાંથી વેક્સિનેશનને વેગ આપવા માટે રાખડી થકી એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ રાખડીની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર રહેતા અને છેલ્લા ચાર વર્ષથી અવનવી ફેન્સી રાખડી તૈયાર કરતા હીનલબેન રામાનુજે આ વખતે એક રાખડી તૈયાર કરી વેક્સિન લેવા માટે સંદેશો આપ્યો છે.
એવામાં રાખડી થકી વેક્સિનેશનને વેગ આપવા માટે પ્રયત્ન કરાયો છે. હીનલબેને અંગે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ કન્સેપ્ટથી રાખડી તૈયાર કરી છે. રક્ષાબંધનના તહેવારમાં રક્ષાના પ્રતિક રૂપે બંધાતી રાખડીમાં ઘણી વેરાઈટીઓ જોવા મળે છે. પણ કોરોના વાયરસના કપરાકાળમાં વેક્સિન પણ એક સુરક્ષાનું મોટું પ્રતિક છે. આ બંને કોન્સેપ્ટને ભેગા કરીને એક રાખડી તૈયાર કરી છે. આ સાથે લોકોને સંદેશો આપ્યો છે કે, વેક્સિન લો અને સુરક્ષિત રહો. રાખડી પર વેક્સિન લેવા માટે પ્રેરણા મળે એવા સંદેશા લખવામાં આવ્યા છે. રાખડી થકી સમાજમાં એક પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.