Mysamachar.in-ગાંધીનગર:
સરકાર, વિકાસ અને ભ્રષ્ટાચાર- આ 3 શબ્દો એકમેકની સાથે એટલાં ગાઢ રીતે સંકળાયેલા જોવા મળી રહ્યા છે કે, ખુદ સરકારના આંકડા કહે છે: વિકાસ સાથે સંકળાયેલો વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિકાસ શબ્દ સાથે રૂપિયા સંકળાયેલા હોય અને જ્યાં વધુ રૂપિયા હોય ત્યાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકતો હોય, એ સમજી શકાય એવી વાત છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં એક રિપોર્ટ મૂકવામાં આવ્યો. આ રિપોર્ટ રાજ્યના વિજિલન્સ કમિશન એટલે કે તકેદારી આયોગ દ્વારા રજૂ થયો. રાજ્યમાં કયાંય પણ મોટી અનિયમિતતાઓ, ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર થયાની આશંકાઓ હોય, તે અંગે વિજિલન્સ કમિશનમાં ફરિયાદો થતી હોય છે. આ ફરિયાદોની વિભાગવાર માહિતીઓ પરથી ખ્યાલ આવી શકે કે, સરકારના ક્યા વિભાગમાં ‘જમણ’ મોટેપાયે ચાલે છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે.
વિધાનસભામાં વર્ષ 2023નો રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટ અનુસાર, આ વર્ષમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ 11,196 ફરિયાદ દાખલ થઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વિરુદ્ધ સૌથી વધુ 2,170 ફરિયાદ દાખલ થઈ.
આ ઉપરાંત અન્ય આંકડા મુજબ, મહેસૂલ વિભાગ વિરુદ્ધ 1,849 ફરિયાદ- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સામે 1,418 ફરિયાદ દાખલ થઈ. આ 3 વિભાગ સામેની ફરિયાદોની સંખ્યા દર્શાવે છે કે, આ વિભાગો રાતદિવસ ‘આ જ કામ’ કરી રહ્યા છે.
પોલીસને સંભાળતા ગૃહ વિભાગ સામે 1,214 ફરિયાદ દાખલ થઈ. શિક્ષણ વિભાગમાં 596 ફરિયાદ, માર્ગ અને મકાન વિભાગમાં 486 ફરિયાદ દાખલ થઈ. ઉદ્યોગ તથા ખાણ વિભાગમાં 378 ફરિયાદ અને સામાન્ય વહીવટ વિભાગ સામે 360 ફરિયાદ દાખલ થઈ. આ ઉપરાંત નર્મદા જળસંપતિ અને પાણીપૂરવઠા વિભાગ વિરુદ્ધ 385 ફરિયાદ અને ગટર વિભાગ વિરુદ્ધ 101 ફરિયાદ, વીજતંત્ર વિરુદ્ધ 97 ફરિયાદ અને સરદાર સરોવર નિગમ વિરુદ્ધ 52 ફરિયાદ દાખલ થઈ. આ તમામ ફરિયાદોના આધારે કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને સજા થઈ એ વિગતો હાલ બહાર આવી નથી.(symbolic image)