Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ આકાર લઇ રહ્યો છે અને દિવસે ને દિવસે આ કામ ગુણવતા સાથે ગતિ પકડી રહ્યું છે, એવામાં આજરોજ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય કુમાર ખરાડીએ સીટી ઈજનેર અને ઇન્ચાર્જ નાયબ કમિશ્નર ભાવેશભાઈ જાની અને કોન્ટ્રાકટર ટીમ સાથે જામનગર શહેરના મુખ્ય અને મહત્વના પ્રોજેકટ એવા સાત રસ્તા થી સુભાષ બ્રીજ સુધીના ફોરલેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજની સાઈટ ઉપર રૂબરૂ સ્થળ નિરિક્ષણ કરી આ પ્રોજેકટના બધા જ કોમ્પોનેન્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરેલ.
સર્વપ્રથમ ફલાય ઓવર બ્રીજના સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટના સ્થળે કામની ગુણવતા માટે દરેક પ્રકારના પરિક્ષણ જેવા કે, સ્લમ્પ/ ટેસ્ટ કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ, ટેસ્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, વધુમાં આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવતા દરેક મુખ્ય મટીરીયલ્સ જેવા કે સ્ટીલ, સિમેન્ટ, એગ્રીગેટની ગુણવતાનું અવલોકન કરેલ. જામનગર શહેરના ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટેના મહત્વના આ પ્રોજેકટના સઘળા પાસાઓ જેવા કે સમય મર્યાદા, કામની ગુણવતા વિગેરેની વિસ્તૃત ચર્ચા નાયબ કમિશ્નર ભાવેશ જાની તથા પ્રોજેકટ ટીમ સાથે કમિશ્નરએ કરી હતી.