Mysamachar.in:ગાંધીનગર
રાઈટ ટુ એજ્યુકેશન-RTE કાનૂન ખૂબ જ સારો છે જેનાં કારણે સરકારનાં ખર્ચે ગરીબ બાળકોને, સારૂં શિક્ષણ આપતી ખાનગી શાળાઓમાં પ્રવેશ મળી શકે છે. પરંતુ આંકડાઓ દર્શાવે છે કે, આ વ્યવસ્થા વધુ સારી બનાવવી આવશ્યક છે કેમ કે, ગુજરાતમાં દર વર્ષે હજારો ગરીબ બાળકો RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશથી વંચિત રહી જાય છે. આ વર્ષે ખાનગી શાળાઓમાં RTE હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે સરકાર દ્વારા કુલ 82,509 બેઠક ફાળવવામાં આવી છે. જો કે તેની સામે વાલીઓ દ્વારા ઓછામાં ઓછાં 2 લાખથી વધુ ફોર્મ ભરાવાની શકયતા છે. જે પૈકી અંદાજે પોણા બે લાખથી વધુ ફોર્મ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. પરંતુ આ મંજૂર ફોર્મ પૈકી બધાં જ બાળકોને પ્રવેશ મળી શકશે નહીં ! કેમ કે, એટલી જગ્યાઓની ફાળવણી કરવામાં જ નથી આવતી.
ગત્ વર્ષનું ઉદાહરણ સમજો : ગત્ વર્ષે સરકારે ખાનગી શાળાઓમાં RTE માટે રાજ્યભરમાં કુલ 71,396 જગ્યાઓ ફાળવી હતી. જેની સામે બે લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં. અને, તે પૈકી 1,76,414 ફોર્મ મંજૂર પણ થયાં હતાં. સ્પષ્ટ છે કે, 1,05,018 બાળકો પ્રવેશવંચિત રહ્યા ! કેમ કે, કુલ જગ્યાઓ જ 71,396 હતી. આ વર્ષે પણ બે લાખથી વધુ ફોર્મ ભરાશે, એવું અનુમાન છે. ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે જો કે, કુલ જગ્યાઓની ફાળવણી 82,509 છે. પરંતુ તો પણ ફોર્મ મંજૂર થયાં પછી, હજારો ગરીબ બાળકો પ્રવેશ વંચિત રહેશે.
જાણકારોના કહેવા પ્રમાણે, સરકારે RTE હેઠળ પ્રવેશ આપવા ખાનગી શાળાઓની તથા કુલ બેઠક ફાળવણી વધારવી જરૂરી છે કેમ કે તો જ મંજૂર ફોર્મ અનુસાર બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશની તક ઉપલબ્ધ કરાવી શકાય.RTE પ્રવેશ માટે ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે. વાલીઓનો ઉત્સાહ જોતાં સમજી શકાય છે કે, અંદાજે બે લાખથી વધુ ફોર્મ ભરાશે. જે પૈકી મોટાભાગના ફોર્મ મંજૂર પણ થશે. સરવાળે, હજારો ગરીબ બાળકો પ્રવેશવંચિત રહેશે ! ગત્ વર્ષની માફક !