Mysamachar.in:ગાંધીનગર
પ્રત્યેક મુખ્યમંત્રીની કામ કરવાની એક ચોક્કસ અને વિશિષ્ટ શૈલી હોય છે. મૃદુ જણાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલવું ભાગ્યે જ અને કામ સતત કરવું એ શૈલી અપનાવી રહ્યા છે અને નિર્ણયોમાં મકકમતા દેખાડી રહ્યા છે. તેઓએ રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગના બોસ તરીકે વર્તન કરી રહેલાં સચિવને દરવાજો દેખાડી દીધો છે. અને, આ અધિકારીને અંધારિયા એવાં હાઉસિંગ બોર્ડમાં મૂકી દઈ જાણે કે તેઓને ખૂણામાં ધકેલી દીધાં છે !
રાજ્યનાં મહેસૂલ તંત્રની માફક રાજયનો માર્ગ અને મકાન વિભાગ કાયમ ચર્ચામાં રહે છે. આ વિભાગ સમગ્ર રાજ્યમાં માર્ગો, બ્રિજ અને વિશાળ મકાનો (સરકારી ઈમારતો) નું નિર્માણ કરે છે. છેલ્લાં કેટલાંક સમયથી ઘણાં બધાં બ્રિજ તૂટી રહ્યા છે. ઘણાં બધાં મુખ્ય માર્ગોની સ્થિતિ ભંગાર છે. સરકારી ઈમારતોનાં નિર્માણ ચકચકિત હોય છે પરંતુ તેમાં ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે એવાં અહેવાલો અને ચર્ચાઓ સમયાંતરે જાહેર થતાં રહે છે. આ બધી જ બાબતો સરકારની ઈમેજને ધક્કો પહોંચાડી રહી હતી. અને આ આખો વિભાગ હાલમાં મુખ્યમંત્રી પાસે છે. તેથી બધી જ નકારાત્મક બાબતો મુખ્યમંત્રીની શાખને માઠી અસરો પહોંચાડી રહી હતી.
મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળનાં આ વિભાગમાં ઘણાં વર્ષોથી સંદીપ વસાવા સચિવ હતાં. તેઓ સમગ્ર રાજ્યમાં આ વિભાગમાં બોસ તરીકે વર્તન કરી રહ્યા હતાં. સરકારની ઈમેજને પહોંચતા નુકસાન અંગે તેઓ ગંભીર ન હતાં. અને આટલી ટીકાઓ છતાં તેઓ ચિંતિત ન હતાં. આથી આખરે મુખ્યમંત્રીએ આ અધિકારીને આ પદ પરથી હાંકી કાઢયા છે અને પડતર વિભાગ લેખાતા હાઉસિંગ બોર્ડમાં મૂકી દીધાં છે. તેમનાં સ્થાને એ.કે. પટેલને માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે મૂક્યા છે. ટૂંકમાં, મુખ્યમંત્રી કોઈ પણ નબળી બાબત ચલાવી લેવાનાં મૂડમાં નથી એવો સંકેત આ બદલીથી મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ગાંધીનગરનાં પૂર્વ કલેકટરની પણ કાલે જ ધરપકડ થઈ છે. આ પ્રકારની ગતિવિધિઓ પરથી સમજાઈ રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી લોકો સુધી કડક સંકેતો પહોંચાડવા એકશન લઈ રહ્યા છે, કશું પણ બોલ્યા વિના. તેઓ આમેય પ્રથમથી જ મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી તરીકે પ્રખ્યાત રહ્યા છે.