Mysamachar.in-અમદાવાદ
રાજ્યની જેલોમાં છાશવારે પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, અને કયારેક તેમાં સ્ટાફની સંડોવણીઓ પણ બહાર આવતી હોય છે, ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સહાયક તરીકે ફરજ બજાવતો કર્મચારી એસીબીના છટકામાં 41 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો. જેલના કર્મચારીએ ફરિયાદી પાસે જેલમાં બંધ ચાર વ્યક્તિઓને હેરાનગતિ ન કરવા તથા હાઇસીક્યુરિટીમાં નહીં મૂકવા માટે લાંચ માગી હતી. આ કેસમાં ફરીયાદીના પતિ તથા બે દિકરા તેમજ જમાઈ અને અન્ય આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.
જેમને હેરાનગતિ ન કરવા તથા હાઇ સિક્યોરિટીમાં ન મૂકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્કે ફરીયાદી પાસે લાંચ પેટે રૂ. 41 હજારની માંગણી કરી હતી. ફરીયાદી મહિલાએ આ લાંચની રકમ આપવા ન માંગતા હોઈ તેમણે ACBને જાણ કરી હતી. જે બાદ એસીબીએ લાંચિયા સરકારી બાબુને પકડવા માટે 19મી માર્ચના રોજ ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન મહિલા પાસેથી સુભાષબ્રિજ સર્કલ પાસેના એક ફૂડ પોઈન્ટ પરથી જેલ કર્મચારીને પંચની હાજરીમાં મળી અને અહીં જ તેણે લાંચની હેતુલક્ષી વાતચીત કરી, રૂ. 41 હજાર સ્વીકાર્યા હતા. આમ જેલ સહાયક લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ હતા એ.સી.બીએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.