Mysamachar.in-વડોદરા:
રાજ્યમાં જુદા જુદા હાઈવે પર દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી છે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો જેમાં 4 લોકોનાં મોત થયાં છે, જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા અને ત્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. એ સમયે વડોદરા નજીક જરોદ કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસ્ક્યૂ-ઓપરેશનમાં JCBની મદદ લેવાઈ હતી અને JCBની મદદથી કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી.