Mysamachar.in-અમદાવાદ:
દેશભરમાં કરોડો મોબાઈલધારકો એવા છે જેઓ મોબાઈલનો ઉપયોગ માત્ર કોલિંગ તથા SMS માટે કરે છે, એમને ડેટાની જરૂરિયાત હોતી નથી. આથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ કંપનીઓને એવો આદેશ આપેલો કે, કંપનીઓ ગ્રાહકો માટે ડેટા ફ્રી પ્રિ-પેઈડ કોલિંગ પ્લાન જાહેર કરે અને આ પ્લાન સસ્તા રાખે. TRAI ના આ આદેશ બાદ, કંપનીઓએ કોલિંગ એસએમએસ પ્લાન તો જાહેર કર્યા પણ, આ પ્લાન સસ્તા નથી !! ડેટા પ્લાન અને આ નવા કોલિંગ પ્લાનની કિંમત એકસમાન !
ટેલિકોમ કંપનીઓ મોબાઈલધારકોને મૂરખ બનાવી રહી છે. કોલિંગ પ્લાનની કિંમતમાં, TRAI ની સૂચનાઓ છતાં ઘટાડો કરવામાં આવ્યો નથી. TRAI ઈચ્છે છે કે, ગ્રાહકો સસ્તા દરે ડેટા ફ્રી પેક મેળવી શકે. કારણ કે, કરોડો ફોન વપરાશકારો મોબાઈલનો ઉપયોગ માત્ર કોલિંગ માટે કરે છે.

ટેલિકોમ કંપનીઓએ આ સાદાં મોબાઈલના ધારકો માટે જે નવા ટેરીફ પ્લાન જાહેર કર્યા છે તેમાં માત્ર એટલો જ ફરક છે કે, આ પ્લાનમાંથી ડેટા હટાવી નાંખવામાં આવ્યો અને જૂના ભાવ સાથેના જ નવા ભાવ જાહેર કરી દીધાં. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સ્પામ કોલ અને મેસેજિસ રોકવામાં નિષ્ફળ જવા બદલ, TRAI એ BSNL તેમ જ અન્ય ખાનગી કંપનીઓને હાલમાં વધુ એક વખત દંડ પણ ફટકાર્યો છે. આમ છતાં કંપનીઓ આ બાબતે જરૂરી ફેરફારો કરતી નથી. સૂત્ર અનુસાર, હાલમાં TRAI કંપનીઓના આ નવા કોલિંગ પ્લાનની ચકાસણીઓ માટેની તૈયારીઓ કરી રહી છે.
