Mysamachar.in-બોટાદ:
ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદીમાં સરકારી તંત્રો સંકળાયેલા હોય, અન્ય સરકારી વિભાગો માફક આ કામોમાં પણ ગેરરીતિઓ, લાંચ અને ભ્રષ્ટાચાર એક અલગ સિસ્ટમ તરીકે ચાલી રહ્યા છે- એવી વિગતો એક ફરિયાદના આધારે બહાર આવી. દસ્તાવેજી પુરાવાઓના આધારે ACB એ લાંચનો કેસ દાખલ કર્યો હોય એવો, રાજયનો આ પ્રથમ કેસ છે જેમાં CCI ના એક કર્મચારીએ અને ખરીદી કેન્દ્રના સંચાલકે લાંચના નાણાંના બદલે કપાસ લીધો. આ મતલબનો કેસ દાખલ થયો.

લાંચ રૂશવત વિરોધી શાખાએ જાહેર કરેલી વિગતો અનુસાર, આ મામલામાં આરોપીઓ તરીકે CCI કર્મી (કોન્ટ્રાક્ટ બેઝ) અક્રમઅલી શૌકતઅલી પટવારી અને ઘનશ્યામ વિઠ્ઠલ બોદર (ખરીદી કેન્દ્ર સંચાલક) છે. મામલો બોટાદ જિલ્લાના ગઢડાનો છે. ખેડૂતે અહીં વેચાણ કરેલાં કપાસનું ખરૂં વજન 2,745 કિલોગ્રામ હતું પરંતુ ખેડૂતને કપાસની કવોલિટી વગેરે મુદ્દે દબડાવી લાંચ તરીકે 265 કિલોગ્રામ કપાસ મેળવી લઈ આ કેન્દ્ર પર ખેડૂતને 2,480 કિલોગ્રામ કપાસ ખરીદીનું બિલ આપવામાં આવ્યું. આમ, આ મામલામાં લાંચની રકમ રૂ. 19,798 ગણી શકાય, જે ખેડૂત પાસેથી કપાસના રૂપમાં મેળવવામાં આવી. ખેડૂતની આ પ્રકારની ફરિયાદના આધારે, દસ્તાવેજી પુરાવાઓ ધ્યાન પર લઈ લાંચનો આ પ્રકારનો રાજ્યનો પ્રથમ કેસ ACBએ જાહેર કર્યો. જેને કારણે ટેકાના ભાવે થતી ખરીદીમાં શું શું થઈ રહ્યું હોય છે- એ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
