Mysamachar.in: જામનગર
જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2025-26 માટેની બજેટ બેઠક આજે ત્રીજી ખાસ સામાન્ય સભા તરીકે યોજાઈ હતી જેમાં આગામી નાણાંકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને સાથેસાથે વર્તમાન નાણાંકીય વર્ષનું સુધારેલું અંદાજપત્ર પણ રજૂ થયું. જો કે વર્ષોથી જિલ્લા પંચાયતના બજેટમાં કોઈ નોંધપાત્ર બાબત હોતી નથી. આટલો મોટો જિલ્લો હોવા છતાં દર વર્ષે સાવ સાધારણ પ્રકારનું બજેટ રજૂ થતું રહે છે.
જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગળચરના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે, ઉઘડતા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત પાસે 6.48 કરોડની સિલક હશે અને વર્ષના અંતે એટલે કે તા. 31-03-2026ના દિવસે બંધ સિલક રૂ. 2.63 કરોડ રહેશે. જિલ્લા પંચાયત આવક ઓછી મેળવશે, ખર્ચ વધુ કરશે.
બજેટમાં કહેવાયું છે કે વર્ષ દરમિયાન સ્વભંડોળની રૂ. 5 કરોડ 82 લાખ 49,000 ની આવક થશે. તેની સામે વર્ષ દરમિયાન રૂ. 9 કરોડ 67 લાખ 85,000નો ખર્ચ કરવામાં આવશે. આગામી નાણાંકીય વર્ષ દરમિયાન સરકારમાંથી રૂ. 346 કરોડ આવવાની ધારણાં છે અને તે તમામ રકમ વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવશે એવો શાસકોએ દાવો કર્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન, તા. 31-03-2025 સુધીમાં સરકારમાંથી રૂ. 295 કરોડ આવવાની ધારણાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી નાણાંકીય વર્ષ માટે સ્વભંડોળમાંથી વિવિધ કામો માટે નોંધપાત્ર રકમો ફાળવવામાં આવી નથી. એકંદરે સામાન્ય અંદાજપત્ર છે.