Mysamachar.in-સુરેન્દ્રનગર:
રાજકોટ અમદાવાદ હાઈવે પર દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને આશાસ્પદ લોકોના મોત છતાં તંત્રની આંખ ઉઘડવાનું નામ નથી લેતી એવામાં સર્જાયેલ વધુ એક અકસ્માતમાં જામનગરના ભાઈ બહેનના જીવ ગયાની માહિતી સામે આવી છે. જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના સગા ભાઈ, બહેનના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ છે,
જામજોધપુર રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજિઠીયાએ બારડોલી ખાતે એક્ઝિબિશનમાં જ્યુસનો સ્ટોલ રાખ્યો હતો.મંગળવારે કલ્પેશ કારમાં જ્યુસ બનાવવાનાં સાધનો મૂકી જામનગર રહેતા બનેવી નિલેશ સવજાણીના ઘરે આવ્યો હતો. એક્ઝિબિશનમાં મદદ મળી રહે તે માટે કલ્પેશે તેના મોટાબહેન શિલ્પાબેન સવજાણીને બારડોલી આવવા માટે તૈયાર કર્યા. જ્યાં બારડોલી સમયસર પહોંચી શકાય તે માટે ભાઈ-બહેન રાતે 1 વાગ્યે બારડોલી જવા રવાના થયા હતા.
બુધવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા વાહન પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગનું તો પડીકું વળી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ભાઈ-બહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જનાર અજાણ્યો ચાલક વાહન લઈ ભાગી ગયો હતો. બનાવની જાણ થતા લીમડી પોલીસ સહિતની ટીમે સ્થળ પર પહોચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી હતી