Mysamachar.in-રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં હથિયારો વેચવાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મૂળીના સિધસર ગામના અનિરૂદ્ધસિંહ શીવુભા ઝાલા અને તેના બે સાગરીતો સાયલાના રામજી ગોકળભાઇ આલ અને મહેલસિંહ અરસંગ મસાણીને બે દેશી પિસ્તોલ અને બે કટ્ટા જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા છે. હથિયારોની સપ્લાયમાં મધ્યપ્રદેશના મનાવરના બલવંત ઉર્ફે બલુ સરદારજીનું નામ ખુલ્યું છે. મૂળીના સિધસરનો અનિરૂધ્ધસિંહ અને તેના બે સાગરીતો મધ્યપ્રદેશ હથિયારો લાવી રાજકોટ તરફ વેંચવા આવી રહ્યા હોવાની બાતમીના આધારે ટીમે વોચ રાખી ત્રણેયને સકંજામાં લઇ તલાસી લેતાં દેશી તમંચા, કટ્ટા અને કાર્ટીસ મળતાં કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી કુલ રૂ. 66,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પૂછપરછમાં અનિરૂદ્ધસિંહએ કબુલ્યું હતું કે, પોતે મધ્યપ્રદેશના મનાવરના બલવંત ઉર્ફ બલુ સરદારજી પાસેથી છૂટક છૂટક હથિયારો લાવીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વેંચે છે. અગાઉ અનિરૂધ્ધસિંહ ચોટીલામાં નકલી નોટોના ગુનામાં, સાયલામાં જુગારના ગુનામાં, મોરબીમાં ગેરકાયદે હથિયારના ગુનામાં અને રાજકોટ બી-ડિવીઝનમાં અપહરણ-જુગારના ગુનામાં સંડોવાય ચૂક્યો છે.આમ પોલીસે આ હથિયારો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા બાદ હવે સપ્લાયર સુધી પહોચવા કવાયત તેજ કરી છે.