Mysamachar.in-વડોદરા:
સૌરાષ્ટ્રના મોરબી જેવી જળ દુર્ઘટના હવે ગુજરાતના વડોદરામાં સર્જાઈ છે, જેમાં 14 હતભાગીઓ મોતનો કોળિયો બની ગયા છે અને સૌ બેદરકારો ઉંઘતા ઝડપાયા છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ નામના તળાવમાં એક ખીચોખીચ ભરેલી બોટ પલટી ખાઈ જતાં 12 ભૂલકાં અને 2 શિક્ષિકાનો ભોગ લેવાયો છે.
વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના બાળકોને શિક્ષકો પ્રવાસ પર લઈ ગયા હતાં ત્યારે આ દુર્ઘટના બની. જિલ્લા શિક્ષણાધિકારી કહે છે, આ પ્રવાસ માટે શાળા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. ગુરૂવારે રાતે આ દુર્ઘટનાને કારણે સમગ્ર વડોદરા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલો તથા મૃતદેહોને વડોદરાની બે જુદી જુદી હોસ્પિટલ જાનવી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રીએ તાકીદે વડોદર પહોંચી, બન્ને હોસ્પિટલ જઈ ઘાયલોની સ્થિતિ વગેરેની જાણકારીઓ મેળવી હતી. અને રાહત બચાવ અંગે તાકીદ કરી હતી.
આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાને ટ્વિટ દ્વારા સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન, વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મૃતક દીઠ રૂ. 2 લાખની સહાય તથા ઘાયલોને રૂ. 50,000 ની સહાય જાહેર કરવામાં આવી હતી. એ જ રીતે રાજ્ય સરકારે આ સહાય રૂ. 4 લાખ અને 50,000 જાહેર કરી છે.
અહેવાલો જણાવે છે કે, આ બોટ 17 પેસેન્જર માટેની ક્ષમતા ધરાવતી હતી, જેમાં 27 વ્યક્તિઓને ભરવામાં આવી હતી. અને આ બોટ ચલાવનાર વ્યક્તિ પણ અનુભવી ન હોવાનું બહાર આવ્યું છે. બોટ ઓપરેટર કંપની આ કામની પેટા કંપની છે, જે કંપની બોટિંગ સંબંધે કોઈ જ અનુભવ ધરાવતી નથી. મુખ્ય કોન્ટ્રાક્ટર કંપની અન્ય છે, જેણે આ કોન્ટ્રાક્ટ પેટામાં અન્ય કંપનીને પધરાવી દીધો હતો. સરકારે આ ઘટનામાં કુલ 18 શખ્સો વિરુદ્ધ FIR દાખલ કરી છે. જે પૈકી આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયાઓ ચાલુ છે.
દરમિયાન, મુખ્યમંત્રીએ આપેલાં આદેશ મુજબ, ગૃહ વિભાગે આ સમગ્ર મામલાની તપાસ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે અને કોની કોની, શું બેદરકારીઓ રહી એ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી છે. આ ઘટનાની FIR મુખ્ય કોન્ટ્રાક્ટર કંપની કોટિયા પ્રોજેક્ટ અને તેના સંચાલકો વિરુદ્ધ દાખલ થઈ છે. જેમાં IPCની કલમો- 304, 308, 337, 338 અને 114 નો સમાવેશ થાય છે. ઈજારદાર કંપનીના મેનેજર શાંતિલાલ સોલંકી, બોટચાલક નયન ગોહિલ તથા બોટના ગાર્ડ અંકિતની ધરપકડ થઈ છે.