Mysamachar.in-વડોદરા:
વધુ એક કંપનીમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, રાજ્યના વડોદરા શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં બોઇલરની નીચે દબાઇ જતા બે કામદારના મોત થયા છે. જ્યારે બે ના સારવાર દરમિયાન મોત નીપજયાનું સામે આવ્યું છે તેમજ બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.