Mysamachar.in-રાજકોટ
ત્રણેક દિવસ પૂર્વે ઉપલેટાની કટલેરી બજારમાં ભંગારના ડેલામાં થયેલા બ્લાસ્ટમાં ભંગાર તોડવાની મજૂરી કરી રહેલા પિતા પુત્રના ફુરચા ઊડી ગયા હતા. ભેદી સંજોગોમાં થયેલા ભડાકાને કારણે એફએસએલ સહિતની ટીમો ધંધે લાગી હતી, પોલીસે આ અંગે તપાસ કરતાં બ્લાસ્ટ સૈન્યમાં વપરાતા રોકેટ લોન્ચરના સેલ તોડતી વખતે થયાનું ખુલ્યું હતું, પોલીસે ઉપલેટા અને ભાટિયાના ભંગારના ધંધાર્થી સામે ગુનો નોંધી બંનેને ઉઠાવી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ઘટનામાં હથોડા વડે ભંગાર તોડી રહેલા રજાક અઝીઝ કાણા અને તેના પુત્ર રહીશ રજાકના ફુરચા ઊડી ગયા હતા. પિતા પુત્ર બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. પોલીસ ટીમે તપાસ કરતાં બ્લાસ્ટ આર્મીમાં ઉપયોગમાં લેવાતા રોકેટ લોન્ચરના મિસફાયર થયેલા સેલમાં થયાનું ખુલ્યું હતું.પોલીસે આ અંગે ઉપલેટાના ભંગારના ધંધાર્થી તૌફિક દોસાણીને જે તે સમયે સકંજામાં લઇ પૂછપરછ કરતા તેણે કેફિયત આપી હતી કે, ભંગારનો સામાન ભાટિયાના ભંગારના ધંધાર્થી મોહન જાદવ પાસેથી આવ્યો હતો, પોલીસે તૌફિક અને મોહન જાદવ સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. ભાટિયાના ભંગારના ધંધાર્થી મોહન જાદવ પાસે સૈન્યમાં વપરાતા રોકેટ લોન્ચરના ડિફ્યૂઝ થયેલા સેલ આવ્યા ક્યાંથી?, મિસફાયર થયેલા સેલ આર્મી પાસેથી ટેન્ડર મારફત ખરીદવામાં આવ્યા હતા કે અન્ય કોઇ વ્યક્તિએ ચોરી કરી ભંગારના ડેલા સુધી પહોંચાડ્યા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે. પોલીસે ઉપલેટા અને ભાટિયાના ભંગારના ધંધાર્થીની અટકાયત કરી હતી.
આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પોલીસે વિસ્ફોટનો ભેદ ઉકેલી બે શખ્સોની કરી ધરપકડ કરી છે, રોકેટ આકારના સેલ તોડતી વખતે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે, અને પોલીસે આ મામલે આરોપી તૌફિક ડોસાણી અને મોહન જાદવની ધરપકડ કરી છે, તો પોલીસ તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ પાસેના પ્રતિબંધિત આર્મી ફાયરિંગ રેન્જની વસાહત ખાતેથી ફેરિયા લઈ આવ્યા હોવાની આરોપીઓ પ્રાથમિક તપાસમાં જણાવે છે, પ્રતિબંધિત વિસ્તારમાંથી રોકેટ લોંચરના ફાયરિંગ સેલ ભંગાર માટે ફેરિયા લઈ આપી ગયા હોવાનું આરોપીનું રટણ હોવાનું તેમને જણાવ્યું હતું.