Mysamacharin-રાજકોટ
જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ યુવતીનો વિડીયોકોલ આવે તો રીસીવ કરતા પૂર્વે ચેતી જજો, નહિતર તમારે પણ મુસીબતમાં મુકાવવાનો વારો આવી શકે છે, આવી જ એક ઘટના રાજકોટ શહેર ભાજપના IT સેલના ઇન્ચાર્જ સાથે બની છે, જેને મોડીરાતે એક વીડિયોકોલ આવ્યો હતો જે વિડીયોકોલ રીસીવ કરતાની સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને સામેથી રૂપિયા 5 લાખની માંગ કરવામાં આવતા આ મામલે સાયબર સેલ પોલીસે તપાસ શરૂ કરી છે,
શહેર ભાજપ IT સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા મંગળવારે રાત્રે 1.45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો, તેને ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું, મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા હતા 30 સેકન્ડ વીડિયોકોલ ચાલ્યો હતો. ફોન કાપ્યાની થોડી જ ક્ષણોમાં મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે પૂછ્યું હતું કે, ‘મજા આવી’, યુવા આગેવાન સ્થિતિ પામી ગયા હતા અને બ્લેકમેઇલિંગ શરૂ થાય તે પહેલા જ તેમણે સામે મેસેજથી ધમકાવવાનું શરૂ કર્યું હતું,
જોકે સાયબર માફિયાએ યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમાં ચેડાં કરી યુવાનેતા પણ એવી સ્થિતિમાં હોય તેવો વીડિયો મનોજ ગરૈયાને મોકલી રૂ.5 લાખ પેટીએમ અથવા ગૂગલપેથી ચૂકવવા કહ્યું હતું. બ્લેકમેઇલરે મનોજ ગરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલ્યું હતું અને તે તમામ મિત્રોને ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરવાની ચીમકી આપી હતી, જોકે બુધવારે બપોરે તેમને તેમના સોશીયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો આવ્યાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે.