Mysamachar.in-ગાંધીનગર:
બિપારજોય નામનું સંભવિત વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એવી હવામાન વિભાગની આગાહી અને જરુરી સુચનાઓ પછી, ગુજરાત સરકારે આ અંગે એલર્ટ આપ્યું છે. અને, વાવાઝોડું ત્રાટકે તો તેની અસરો નિવારવા અને જરૂરી પગલાંઓ લેવા સંદર્ભે ગાંધીનગરમાં ઉપરાઉપરી બેઠકોનો દૌર શરૂ થયો છે.
બપોરે બાર વાગ્યે રૂટિન મુજબ, બુધવાર હોવાથી મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી જેમાં સાયકલોન બિપારજોય અને જ્ઞાનસેતુ શાળા સહિતના મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યનાં મહાનગરોના મ્યુ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ, બપોરે બે વાગ્યે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ બેઠક યોજશે. તેઓ દરેક જિલ્લાનાં કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજશે.
બપોરે ચાર વાગ્યે, વેધરવોચની બેઠક છે. જેમાં હવામાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, મહેસૂલ સચિવ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને સંભવિત વાવાઝોડા અંગે જરૂરી ચર્ચા કરશે. અત્રે નોંધનીય છે કે, એક તર્ક એવો છે કે, સંભવિત વાવાઝોડું અરબી સમુદ્રમાં ચક્રવાતરૂપે રહ્યા બાદ પાકિસ્તાન અથવા ઓમાન તરફ સરકી જશે.
એક શક્યતા એવી પણ છે કે, સંભવિત વાવાઝોડું ગુજરાતનાં કોઈ દરિયાકિનારે જમીન પર ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી દરિયામાં 1,060 કિમી દૂર છે. ગુજરાત પર હાલમાં કોઈ ખતરો નથી પરંતુ આગામી સમયમાં વાવાઝોડું દિશા બદલે તો ગુજરાતનાં દરિયાકિનારે ત્રાટકી શકે છે. વાવાઝોડાંની સંભવિત તારીખો 11થી 13 જૂન માનવામાં આવી રહી છે. જો કે હાલ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર હોવાનું હવામાન વિભાગે આજે બપોરે જાહેર કર્યું છે.