Mysamachar.in-જામનગર:
એક તરફ જામનગર શહેરમાં ડેન્ગ્યું સહિતના રોગચાળા એ માજા મૂકી છે તો બીજી બાજુ દિવાળીના તહેવારોનો સમય છે, ત્યારે દશેરાએ ઘોડું ના દોડે તેમ જામનગર શહેરમાં પણ રોગચાળા અને તહેવારોની મોસમના સમયે જ શહેરની સફાઈના કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતા સફાઈ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ હોવાનું ખુદ અધિકારી કબુલ કરે છે, એક તરફ છે રોગચાળો તો બીજી તરફ છે તહેવારોની મોસમ…અને રસ્તાઓ પર ખડકાઈ ગયા છે કચરાના ગંજ…
જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કોન્ટ્રાક્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતા નવી પાર્ટી એક માસ બાદ પોતાનું કામ શરુ કરશે ત્યાં સુધી શહેરીજનોને ગંદકીનો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયા નો ખુદ વિપક્ષ સભ્યનો પણ આક્ષેપ છે. દરવર્ષ મનપાના બજેટમાં કરોડોનું બજેટ એકલા સફાઈ પાછળ ફાળવવામાં આવે છે અને વાર્ષિક કરોડોં રૂપિયાના આંધણ બાદ પણ શહેરમાં સ્વચ્છતા ના નામે મીંડું હોવાનું જોવા મળે છે,
સફાઈ કામદારો ઉપરાંત ખાનગી એજન્સીઓ પાસે ડોર ટુ ડોર કામ કરાવતી મનપા અવારનવાર વિવાદોમાં સપડાઈ ચુકી છે, ત્યારે દિવાળી સહિતના તહેવારોમાં જ સફાઈ વ્યવસ્થા ખોરંભે ચઢી ગઈ છે (જો કે અધિકારી કહે છે કે સફાઈ તો થઇ જ છે), આમ એક તરફ જામનગર શહેર રોગચાળાના ભરડામાં છે તો બીજી બાજુ સફાઈનો અભાવ નવા રોગચાળાને નોતરે તેની રાહ મનપાના શાશકો જોઈ રહ્યા હોય તેમ લાગે છે, ત્યારે તહેવારો અને ડેન્ગ્યું જેવા રોગચાળાના સમયે તાકીદે શહેરની સફાઈ થાય તે જરૂરી બન્યું હોય તેમ શહેરીજનો પણ માને છે.
-ફરિયાદોનો ઢગલો…
જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખાડે ગયેલ સફાઈ વ્યવસ્થાને લઈને જામનગર મહાનગરપાલિકા ને ઓનલાઈન અને ઓફલાઈન ઉપરાંત અધિકારીઓને ફોન કરીને સીધા જ ફરિયાદોનો જનપ્રતિનિધિઓ તેમજ સ્થાનિકો એ ઢગલો કરી દીધો છે.