Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત વિધાનસભાગૃહમાં નેતાઓની ગેરવર્તણૂકો કેટલીય વખત બહાર આવી છે, ત્યારે હાલમાં ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્રના બીજા દિવસે જયારે મજૂરોના કાયદા સંદર્ભના બિલ પસારની કાર્યવાહીની ચર્ચામાં રાત્રે જોરદાર હોબાળો થયો હતો. કૉંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે સ્કોપ બહાર બોલવા મુદ્દે ભાજપે વાંધો ઉપાડ્યો હતો. તે જ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નૌશાદ સોલંકીને કટાક્ષમાં કૉંટ્રાક્ટર કહેવાનું જણાયું અને નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈકનો છૂટ્ટો ઘા કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે ગૃહમાં ચર્ચા વખતે ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં છૂટું ફેંક્યું હતું. અને વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા.
નૌશાદ સોલંકી ગેલેરીના પગથિયે જ ધરણાં પર બેસી જઈ કહ્યું કે નીતિન પટેલ મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાં તો માફી માંગે. બીજી તરફ વિપક્ષ સહિત કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત કરી. બાદમાં નૌશાદ સોલંકીને ખૂબ સમજાવ્યા બાદ તેઓએ ધરણાં પૂરા કર્યા હતા. આજે પણ કૉંગ્રેસ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માગે તેવી માંગ કરશે.