Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતીમાં કહેવત છે, ધોળામાં ધૂળ પડી. રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં અગાઉ કલેકટર તરીકે ફરજો બજાવી ગયેલાં અધિકારીનાં કેસમાં આ કહેવત સાચી પડી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. એસ.કે.લાંગા નામનાં આ IAS હાલ નિવૃત છે. પ્રભુભજન કરવાનાં સમયે તેઓ પોલીસનાં કબજામાં છે ! આ અધિકારીનાં વાળ ધોળાં થયાં ત્યારે તેઓનાં કાળા કરતૂતોને કારણે તેઓ ચર્ચામાં છે ! આ મહાશય આબુ રોડ પરની એક હોટેલમાં કુદરતી સૌંદર્ય અને હોટેલની ફાઈવસ્ટાર સુવિધાઓ માણી રહ્યા હતાં ત્યારે પોલીસે તેમનાં રૂમની ડોરબેલ વગાડી અને હવે આ નિવૃત્ત IAS પોલીસ સ્ટેશનમાં !
એપ્રિલ-2018 થી સપ્ટેમ્બર-2019 દરમિયાન એસ.કે. ગાંધીનગર ખાતે કલેકટર હતાં. તે સમય દરમિયાન તેઓએ કરેલાં ખેલ સંબંધે કલેકટર કચેરીનાં જ એક અધિકારી ધૈવત ધ્રુવે તેઓ વિરૂદ્ધ ગાંધીનગર સેકટર 7 નાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે આ મહાશયને પોલીસે ઉપાડી લીધાં છે. ગાંધીનગર એસપી તરૂણ કુમાર દુગગલે આ ધરપકડની જાહેરાત કરી છે.
આ નિવૃત્ત અધિકારી વિરુદ્ધની ફરિયાદ મુજબ, જમીનો સંબંધી કુલ 5,094 નિર્ણયોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ નિર્ણયો તેઓએ લીધાં હતાં. જેમાં મોટાપાયે ખોટું થયાની ફરિયાદીને શંકા છે. આ અધિકારીએ આ નિર્ણયો જમીનોની જૂની-નવી શરતો તથા બિનખેતી વગેરે સંબંધે લીધાં હતાં. જેમાં ભ્રષ્ટાચાર ઉપરાંત સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનાં પણ આરોપ છે. ગાંધીનગર જિલ્લામાં પેથાપુર ખાતે સરકારી જમીનોને ખાનગી જમીનોમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, એવો પણ આક્ષેપ છે. આ જમીનોનું કુલ ક્ષેત્રફળ બહુ મોટું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોતાની નિવૃત્તિ પહેલાંના કેટલાંક દિવસો દરમિયાન આ સાહેબે બિનખેતીની સંખ્યાબંધ ફાઈલો પર ધડાધડ સહીઓ કરી હતી એવું પણ FIR કહે છે. આ ઉપરાંત તેઓએ યોગ્ય વેરિફિકેશન કર્યા વિના ઘણાં બિનખેડૂતોને ‘ખેડૂત’ બનાવી દીધાં હતાં. FIR જણાવે છે કે, એ સમયનાં ચિટનીસ ટુ કલેકટર (સેક્રેટરી) અને નિવાસી અધિક કલેકટરે પણ આ તમામ ખેલમાં જબરી ભૂમિકા ભજવી હતી. તેઓનાં નામો FIR માં છે પરંતુ જાહેર થયા નથી.
FIRમાં એમ પણ જણાવ્યું છે કે, જેતે સમયે સરકારે આ તમામ મામલાઓની તપાસ માટે અન્ય એક નિવૃત્ત IAS વિનય વ્યાસાને સ્પેશિયલ ઈન્કવાયરી ઓફિસર તરીકે જવાબદારી સોંપી હતી. આ તપાસનીસ અધિકારીએ સરકારને સોંપેલા વચગાળાના તપાસ રિપોર્ટમાં ભલામણ કરી હતી કે, લાંગા સહિતના આ ત્રણ અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે. FIR કહે છે : લાંગાએ જેતે સમયે સરકારી નિયમો નેવે મૂકી અંગત હિત તથા વચેટિયાઓનાં હિતો સાચવ્યા હતાં. એસ.કે. પર એવો પણ આરોપ છે કે, રેતીની લીઝ આપવામાં તથા હથિયાર પરવાના આપવામાં પણ તેઓએ ઘણાં કિસ્સાઓમાં ‘ઉદારતા’ દેખાડી હતી. નિયમોનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત તેઓ બાવળા ખાતે આવેલી ચોખાની એક મિલમાં ભાગીદાર હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે આ ત્રણ અધિકારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 409, 168, 193, 196, 465, 466, 467 તથા ગુનાહિત કાવતરું ઘડયાની કલમ-120 તેમજ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આજે આ આખાં વિષયની વિગતો જાહેર કરવા સ્થાનિક એસપી દ્વારા અત્યારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. આ અધિકારીને લઈને જામનગરના આરટીઆઈ એક્તીવીસ્ટ કિશોર નથવાણી દ્વારા પણ લેખિતમાં સરકારને ફરિયાદ કરવામાં આવી હતી.