Mysamachar.in:જામનગર
આ વર્ષે શિયાળાની ઋતુમાં ઝડપી ફેરફાર ઘણાં જોવા મળી રહ્યા છે. ઠંડીની તીવ્રતામાં વધઘટ થતી રહે છે. જામનગરમાં પણ પાછલાં ત્રણ દિવસથી અલગ-અલગ અહેસાસ થતાં રહે છે. જો કે, આગામી ગણતરીના કલાકોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો હોવાની આગાહી છે. જામનગરમાં બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યા પછી, ગુરૂવારે આંશિક રાહત સાથે લઘુત્તમ તાપમાન સહેજ ઉપર ચડી 15.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ફરીથી શુક્રવારે લઘુત્તમ તાપમાનનો પારો અચાનક બે ડિગ્રી નીચે સરકી 13.5 ડિગ્રી નોંધાયો હતો. કાલે શુક્રવારે રાત્રે વધુ એક વખત ઠંડીનો ચમકારો અનુભવાયો. જો કે, રાજ્યમાં કાલે શુક્રવારે ઠંડીમાં થોડી રાહત મળી હતી. પરંતુ હવામાન વિભાગ કહે છે: આગામી 24/48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વધુ એક વખત શીતલહેરનો અહેસાસ થશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલમાં પવનની દિશા બદલાઈ રહી હોય, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. જામનગરમાં આજે સવારે જાહેર થયેલાં આંકડાઓ જણાવે છે કે, શુક્રવારે મોડી રાત્રે લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકીને 13.5 ડિગ્રી નોંધાયો હતો. શુક્રવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી ઉંચકાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા જેવું રહ્યું હતું. સૂકા પવનની ગતિ જો કે 4-5 કિમી પ્રતિ કલાકથી વધુ નોંધાતી નથી.