Mysamachar.in:જામનગર
જામનગર આજે સવારથી રાજકીય ગરમાવાને લઈને રાજયકક્ષાએ ચમકયું ! મામલો છે જામનગર ઉતરના પ્રથમ વખત ચુંટાયેલ મહિલા ધારાસભ્યનાં ગુસ્સાનો. આ મહિલા પિતો ગુમાવી દેવા મુદે, શરૂઆતથી જ ચર્ચામાં રહ્યા છે. આજે તો આ આગ છેક રાજયકક્ષાએ પહોંચી અને ભાજપાનાં ખુદ પ્રદેશ અધ્યક્ષે મીડિયા સમક્ષ કહેવું પડ્યું કે, “મામલાની તપાસ કરવામાં આવશે” અને સાથે જ વિપક્ષને, મરીમસાલો મળી ગયો છે- જે જામનગર ભાજપા માટે ભારે અપસેટ સર્જનાર બની શકે છે !
જામનગર શહેરમાં આજે સવારે રણમલ તળાવ કિનારે મારી માટી, મારો દેશ નામનો એક કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. વસુધા વંદન અને માટીને નમન જેવાં સુંદર શબ્દો સાથેનો આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, કાર્યકર્તાઓ અને નગરજનો કાર્યક્રમમાં વ્યસ્ત હતાં ત્યારે ભાજપાનાં આગેવાનો ગરમ ચર્ચા અને વિવાદનો તાપ અનુભવી રહ્યા હતાં !
તળાવની પાળની ખુશનુમા અને ઠંડી હવા ત્યારે ગરમ બની ગઈ જયારે પ્રથમ વખત ચુટાયેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ એકદમ ગરમી પકડી લીધી ! તેઓ કોઈનું નામ લીધાં વિના જોરદાર ગુસ્સો ઠાલવી રહ્યા હતાં. આ બીજો પ્રસંગ છે, તેઓ ગુસ્સ થયાં. આ અગાઉ તેઓ કોર્પોરેશનમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને, પદાધિકારીઓની હાજરીમાં, તતડાવી ચૂકયા છે.
આજે તળાવની પાળે આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા એસ.પી. અને કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી છતાં રિવાબાએ પોતાનો ધ્રુજારો દેખાડતાં સમગ્ર ભાજપામાં સોપો પડી ગયો હતો. કાર્યક્રમ હોવાથી તમામ મીડિયાકર્મીઓ ઘટનાસ્થળે મૌજૂદ હતાં. જેથી આ આખો મામલો ગણતરીની પળોમાં તો આખાં રાજયમાં રાજકીય વાવાઝોડાની માફક ચકકર લગાવવા માંડયો.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર ભાજપાનું ઘર લાંબા સમયથી સળગી રહ્યું છે. કોંગ્રેસનું ઘર સળગે છે ત્યારે આખું ગામ ગાજતું હોય છે, ફરક એટલો છે કે જામનગર ભાજપાના કેસમાં આવી ગાજવીજ થતી નથી. જામનગર ભાજપાની પ્રતિષ્ઠા આજનાં આ પ્રકરણથી બહુ મોટાં પ્રમાણમાં ખરડાઈ જવા પામી છે. જેનો પડઘો આગામી સમયમાં જોવા મળશે, એવી પણ ચર્ચા શહેરમાં અત્યારથી શરૂ થઈ ગઈ ! અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રિવાબા સેલિબ્રિટી છે એ ખરું પરંતુ રાજકારણમાં તેઓ નવા છે. કેડર અને શિસ્ત માટે જાણીતી આ પાર્ટી ઘણાં મોટાં માથાંઓને સાઈડલાઈન કરી નાંખવાના મુદે જાણીતી છે. અને કેટલાયને આ પાર્ટીએ સાઈડલાઈન કરી દીધાના દાખલા પણ મૌજૂદ છે. અને રિવાબા માત્ર છ મહિનામાં ત્રીજી વખત વિવાદમાં આવ્યા છે. આ અગાઉ તેઓ રાહત સામગ્રી પર તસ્વીરો છપાવવા મુદે પણ વિવાદમાં આવેલાં હતા તે બાબત પણ સર્વવિદિત છે.
સાંસદ, ધારાસભ્ય અને મેયર એમ ત્રણ મહિલાઓ અને ધારાસભ્ય તથા પાર્ટી અધ્યક્ષ એમ બે પુરુષ- એમ કુલ પાંચ મહાનુભાવો વચ્ચે આજે સવારે જે વાવાઝોડું ચકરીઓ ખાતું હતું એ વંટોળ સમગ્ર રાજયમાં ઘૂમ્યો ! ખુદ પ્રદેશ ભાજપા અધ્યક્ષે આ મુદે બોલવું પડ્યુ તે બાબત ખુબ ગંભીર કહી શકાય તેવી પણ છે.
– મેયરને અવાજ નીચો રાખવાનું કહ્યું રિવાબાએ !
તળાવની પાળનાં આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબાએ પક્ષની આબરૂને ચીંથરેહાલ કરી નાંખી ! શિસ્તબદ્ધ પાર્ટી રિવાબાની આ ભયાનક હરકત સહન કેવી રીતે કરશે?! સાંસદ પૂનમબેન માડમ ઉંમર અને પદની દ્રષ્ટિએ રિવાબા કરતાં અનેકગણાં સિનિયર છે અને મેયર બીનાબેન કોઠારી પણ ઉંમરની દ્રષ્ટિએ વડીલ છે તેમજ શહેરનાં પ્રથમ નાગરિક છે. કોર્પોરેશનનાં જાહેર કાર્યક્રમમાં જ મેયરનું સમ્માન ન જળવાય, એ મુદ્દો રિવાબા માટે જરાય યોગ્ય ન લેખાય. અને, આ આખો મામલો જામનગર ભાજપા માટે અતિશય ચિંતાપ્રેરક તથા શરમજનક હોવાની ચર્ચાઓ શહેરમાં જ નહીં આખા રાજયમાં વાયરલ થઈ ઉઠી છે. રિવાબાએ તળાવની પાળે સાંસદ અને મેયર સામે જે બેફામ વાણીવિલાસ કર્યો છે એ મુદ્દો આખા રાજયમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આજનાં આ રાજકીય ભૂકંપનાં આફટરશોકસ આગામી સમયમાં જામનગર ભાજપા ઉપરાંત પ્રદેશ ભાજપામાં પણ રિકટર સ્કેલ પર નોંધાતા રહેશે.