Mysamachar.in-ગુજરાત:
વિશાળ વસતિ અને તોતિંગ જરૂરિયાતોને કારણે ભારતનો દવા ઉદ્યોગ ગંજાવર કદ ધરાવે છે, અને આ ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો નોંધપાત્ર છે. ખાસ કરીને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં દવાઓ બનાવવાના હજારો કારખાના છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દવાઓ ઉત્પાદન સંબંધે કેટલાંક નિયંત્રણ જાહેર કરતાં, આથી ભાવો વધશે એવું કારણ આગળ ધરીને ઉદ્યોગોએ આડકતરી રીતે આ નિયંત્રણોનો વિરોધ વ્યક્ત કર્યો છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે દવાઓને સ્પર્શતા નિયમોમાં ફેરફાર કર્યા છે જેને કારણે ગુજરાત સહિત દેશભરમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોએ એવો અંદેશો વ્યકત કર્યો છે કે, આના પરિણામે દવાઓની તંગી ઉભી થઈ શકે છે અને પરિણામે દવાઓની કિંમતોમાં ઉછાળો પણ આવી શકે છે. ટૂંકમાં, નિયંત્રણોના બહાને દવાઓ ઉત્પાદન કરતી કંપનીઓ ભાવવધારો કરવાની ફીરાકમાં છે.
ફાર્મા ઉદ્યોગના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ અને એસોસિએશનએ કેન્દ્ર સરકાર સમક્ષ આ નિયંત્રણોના પાલન સંબંધે અક્ષમતા પણ દર્શાવી છે. તેમના મતે આ નવા નિયમોનું પાલન કરવામાં આવે તો દવાઓના અનેક યુનિટ બંધ કરવાની ફરજ પડી શકે છે. એકલાં ગુજરાતમાં જ આવા 3,500 એકમો છે, જે પૈકી 75 ટકા એકમોને માઠી અસરોનો સામનો કરવો પડી શકે એમ પણ કહેવાયું છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રીએ એમ કહ્યું છે કે, દવાઓના MSME ક્ષેત્રએ શેડ્યૂલ M નું પાલન કરવું જોઈએ. જો કે તેમણે તબક્કાવાર આમ કરવા જણાવ્યું છે. તે માટે સમયમર્યાદા પણ સૂચવવામાં આવી છે પરંતુ લઘુઉદ્યોગ ભારતી નામનું સંગઠન કહે છે: આ ફેરફારોનું પાલન દવા ઉદ્યોગ માટે પડકારરૂપ સાબિત થઈ શકે. આ સંગઠન RSS સાથે સંકળાયેલું છે.
સરકારના નિયમો ગુણવત્તાનો આગ્રહ રાખે છે પરંતુ ઉદ્યોગની દલીલ એવી છે કે, એ રીતે અપગ્રેડેશન કરવામાં આવે તો નાણાંનો ખર્ચ થાય. જે બધાં એકમોને ન પોસાય અને તેથી ઘણાં ઉદ્યોગ બંધ થાય. સંગઠનો એમ પણ કહે છે કે, ઉત્પાદનમૂડી વધુ લગાવવી પડે આ ઉપરાંત કાયમી ઉત્પાદન ખર્ચ પણ વધી જાય. અને આ ખર્ચ મહત્તમ મર્યાદાને પાર કરી જાય, એવું પણ બની શકે, જે ઉદ્યોગોને ન પરવડે.